ટ્રમ્પની હત્યા મામલે પુતિનના માર્ગદર્શક કહેવાતા એલેક્ઝાન્ડર ડુગિને આપી ચેતવણી
અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતાની સાથે જ રશિયાને યુક્રેન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે ખુલ્લેઆમ ધમકી પણ આપી હતી કે, ‘જો રશિયા યુદ્ધ ખતમ નહીં કરે તો તેના પર વિવિધ પ્રતિબંધો લાદવામાં આવશે.’ આ દરમિયાન ‘રાસપુતિન’ તરીકે જાણીતા એલેક્ઝાન્ડર ડુગિને ચેતવણી આપી છે. 63 વર્ષના એલેક્ઝાન્ડર ડુગિનને પુતિનના માર્ગદર્શક પણ કહેવામાં આવે છે, તે એક કટ્ટર રશિયન વિચારક છે. તેમણે ચેતવણી આપતા જણાવ્યું હતું કે, અમેરિકાના પૂર્વ પ્રમુખ જોન એફ. કેનેડીની હત્યા અંગેના દસ્તાવેજો જાહેર કરવાનો ટ્રમ્પનો નિર્ણય તેમના જીવન માટે ખતરો છે. મને લાગે છે કે ટ્રમ્પ સામે જોરદાર પ્રતિકાર થશે. તેમના પર હત્યાનો પ્રયાસ થઈ શકે છે અથવા આતંકવાદી હુમલો થઈ શકે છે. અમેરિકામાં સામાજિક અશાંતિ ફેલાવાની શક્યતા નકારી શકાય નહીં. ભલે તે હજુ શરૂ ન થઈ હોય, પરંતુ આ બધું શક્ય છે.