વડોદરા: પ્રજાસત્તાક દિને કોર્પોરેટરોનું સામાન્ય જ્ઞાન ચકાસાયું
26 જાન્યુઆરીના રોજ વડોદરા સહિત દેશભરમાં પ્રજાસત્તાક દિનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. તે પૈકી વડોદરા ભાજપના નવા કાર્યાલય નમો કમલમ ખાતે પ્રથમ વખત ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં કોર્પોરેટર અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન મીડિયા દ્વારા કોર્પોરેટરોને ધ્વજના કલર, અશોક ચક્રનું મહત્વ સહિતના સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પુછવામાં આવતા તેઓ અટવાયા હતા. અને ગોળ ગોળ જવાબ આપીને મીડિયાથી બચતા નજરે પડ્યા હતા. વડોદરામાં ચાલુ વર્ષના અંતમાં કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાનાર છે. હાલમાં સત્તાપક્ષના જેટલા કોર્પોરેટરો છે, તે તમામ પોતે રીપીટ થાય તેવી આશા રાખી રહ્યા છે. ત્યારે પ્રજાસત્તાક દિન નિમિત્તે નમો કમલમ ખાતે મોટી સંખ્યામાં ધ્વજ વંદન માટે હાજર કોર્પોરેટરનું સામાન્ય જ્ઞાન ચકાસવા માટે મીડિયા દ્વારા સવાલો પુછવામાં આવ્યા હતા.