ભારતીયોના ડિપોર્ટ વચ્ચે પીએમ મોદીની અમેરિકા મુલાકાતે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર પ્રધાનમંત્રી મોદી 12 અને 13 ફેબ્રુઆરીએ અમેરિકાના પ્રવાસે જશે, આ અંગે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ માહિતી આપી હતી. ભારતના નાગરિકોને અમેરિકામાંથી કેદીઓની જેમ કરાયેલા ડિપોર્ટનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે. આ વિવાદ વચ્ચે પીએમ મોદી અમેરિકાની મુલાકાતે જશે તેના પર સૌની નજર બની રહેશે. જણાવી દઈએ કે, ડિપોર્ટ સમયે ભારતીય નાગરિકોના થયેલા અપમાનના મુદ્દાને લઈ વિપક્ષે પણ સરકાર સામે રોષ ઠાલવી જવાબ માંગ્યો હતો. હવે જોવાનું રહ્યું કે ટ્રમ્પના મિત્રની બડાઈઓ હાંકતા મોદી મુલાકાત દરમિયાન કોઈ જાદુ કરે છે કે કેમ? તેના પર સૌની નજર છે.
અમેરિકા જતા પહેલા પીએમ મોદી ફ્રાન્સની મુલાકાત લેશે. પીએમ મોદી 12 ફેબ્રુઆરીની સાંજે વોશિંગ્ટન ડીસી પહોંચી ત્યાં 14 ફેબ્રુઆરી સુધી રોકાવાના અહેવાલ મળ્યા છે. પીએમ મોદી 11 ફેબ્રુઆરીએ પેરિસમાં યોજાનારી એઆઈ સમિટ 2025ની સહ-અધ્યક્ષતા કરશે. પીએમ મોદી 12 ફેબ્રુઆરીએ ફ્રેન્ચ સરકાર દ્વારા આયોજિત VVIP ડિનરમાં પણ હાજરી આપશે. મોદી 12 ફેબ્રુઆરીએ માર્સેલીમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ઉલ્લેખનીય છે કે, આ પ્રધાનમંત્રી મોદીની ફ્રાન્સની સાતમી મુલાકાત હશે. મોદી અગાઉ 13 જુલાઈ 2023ના રોજ ફ્રાન્સની મુલાકાતે ગયા હતા. ત્યારબાદ તેમણે મુખ્ય મહેમાન તરીકે બાસ્તિલ ડે (રાષ્ટ્રીય દિવસ) ઉજવણીમાં હાજરી આપી.