રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી સમયમાં ગુજરાતની મુલાકાતે લેશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી સમયમાં ગુજરાતની મુલાકાતે આવવાના છે. વિશ્વભરના પ્રવાસીઓ અહીં વિવિધ સ્થળોની મુલાકાત લે છે ત્યારે હવે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ કચ્છની મુલાકાત લેવાના છે. અંતરંગ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ આગામી ૨૮ ફેબ્રુઆરીના કચ્છની મુલાકાતે આવી રહ્યા છે અને તેઓ વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામ એવા ધોરડો ખાતે આયોજિત રણોત્સવની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ ચાલુ મહિનાના અંતિમ સપ્તાહે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમ્યાન તેઓ સૌપ્રથમ વખત સીમાવર્તી કચ્છ જિલ્લાની મુલાકાત લઇ જગવિખ્યાત ધોરડોનું શ્વેત રણ, પુરાતન નગર ધોળાવીરા અને ભુજના ભુજિયા ડુંગર પરના સ્મૃતિવન સહિતના સ્થળોની મુલાકાત લેવાના હોવાનું જાણવા મળ્યું છે. રણ, દરિયો અને ડુંગર ધરાવતા કચ્છની સુંદરતા અને કચ્છના પ્રવાસન સ્થળો જગવિખ્યાત છે ત્યારે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કચ્છની મુલાકાત લઈ કચ્છના આ પ્રવાસન સ્થળોથી વાકેફ થશે.