સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 18 ફેબ્રુઆરીએ મતગણતરી
જિલ્લામાં આજે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થતાં ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં શીલ થયું. તમામ ઇવીએમને સ્ટ્રોંગ રૂમમાં લોખંડી પોલીસ બંદોબસ્તના પહેરા વચ્ચે ગોઠવવામાં આવ્યા છે. આગામી તા.૧૮/૦૨/૨૦૨૫ના રોજ મતગણતરી હાથ ધરાશે જે માટેની તમામ તૈયારીઓ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તથા જિલ્લા કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવેની આગેવાનીમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે,સ્થાનિક સ્વરાજ્યના એકમોની સામાન્ય ,
મધ્ય સત્ર તથા પેટા ચૂંટણી 2025 ના પરિણામો તા.18 ફેબ્રુઆરીના રોજ જાહેર થનાર છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાના માણસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા આમજા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની મત ગણતરી પ્રક્રિયા એસ.ડી આર્ટસ એન્ડ બી.આર કોમર્સ કોલેજ ખાતે યોજાશે. તે જ પ્રમાણે કલોલ નગરપાલિકા વોર્ડ નંબર ચાર પેટા ચૂંટણીના પરિણામોની મતગણતરી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ કલોલ ખાતે યોજાશે. તાલુકા પંચાયત ગાંધીનગરની સામાન્ય ચૂંટણીની મતગણતરી આર્ટસ કોલેજ સેક્ટર -15, ગાંધીનગર ખાતે કરવામાં આવશે. જ્યારે હાલીસા જિલ્લા પંચાયત પેટા ચૂંટણી તથા લવાડ તાલુકા પંચાયત પેટા ચૂંટણીના પરિણામો માટે મત ગણતરી તાલુકા સેવાસદન, ત્રીજો માળ દહેગામ ખાતે યોજાશે.