વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત: 7 માર્ચે સુરતમાં કાર્યક્રમ
સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 માર્ચે ગુજરાતની મુલાકાતે આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના વિજય બાદ વડાપ્રધાન મોદીની આ પ્રથમ ગુજરાત મુલાકાત હશે. તેઓ સુરતના લિંબાયત વિસ્તારમાં યોજાનાર એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમનું આયોજન પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં વૃદ્ધ સહાય પેન્શન યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે. સાંજે 5 વાગ્યે શરૂ થનારા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. PM મોદીના આગમનને લઈને સુરતમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કાર્યક્રમ પૂરો થયા બાદ PM મોદી સુરતમાં રાત્રિ રોકાણ કરી શકે છે, જો કે, આ અંગે સત્તાવાર જાહેરાત હજી કરવામાં આવી નથી. PM મોદીની મુલાકાત દરમિયાન ભાજપના કેટલાક મુખ્ય નેતાઓ પણ હાજર રહે તેવી શક્યતા છે.