ગાંધીનગરમાં મોટી દુર્ઘટના ટળી, કાર ચાલકનો ચમત્કારિક બચાવ
ગાંધીનગરના મોટા ચિલોડાથી અમદાવાદ રોડ પર એક મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર અથડામણ થતાં કારનો કચ્ચરઘાણ વળી ગતો હતો, પરંતુ સદનસીબે કાર ચાલકનો જીવ બચી ગયો હતો. આજે સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ એક ટ્રક અને કાર સામસામે અથડાયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. કારમાં સવાર 45 વર્ષીય રાજસ્થાની યુવક કારમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકને કારમાંથી બહાર કાઢ્યો હતો. સદનસીબે યુવકને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી અને તેનો ચમત્કારિક બચાવ થયો હતો. પોલીસે અકસ્માત કેવી રીતે થયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે થાળે પાડ્યો હતો.