બર્દવાન જતાં ગાંગુલીની કારને નડ્યો અકસ્માત
પૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીની કારને ગુરુવારે દુર્ગાપુર એક્સપ્રેસ વે પર અકસ્માત નડ્યો હતો. તેઓ એક કાર્યક્રમમાં ભાગ લેવા બર્દવાન જઈ રહ્યા હતા. સદનસીબે, તેઓ સુરક્ષિત રહ્યા હતા.મળતી માહિતી મુજબ, દંતનપુર નજીક એક ટ્રક અચાનક તેમના કાફલાની સામે આવી ગયો હતો. તેથી, સૌરવ ગાંગુલીના ડ્રાઈવરે તાત્કાલિક બ્રેક લગાવવી પડી હતી. આ કારણે પાછળની ગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી અને તેમાંથી એક ગાડી સૌરવ ગાંગુલીની કાર સાથે પણ અથડાઈ હતી.આ અકસ્માતમાં સૌરવ ગાંગુલી અને તેમના કાફલાના અન્ય કોઈને પણ ઈજા થઈ ન હતી, પરંતુ તેમના કાફલાની બે ગાડીઓને નુકસાન થયું હતું. અકસ્માત પછી, સૌરવ ગાંગુલીએ લગભગ 10 મિનિટ સુધી રસ્તા પર રાહ જોવી પડી હતી, ત્યારબાદ તેઓ કાર્યક્રમ માટે રવાના થયા હતા અને બર્દવાન યુનિવર્સિટીમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો.