ચહલ અને ધનશ્રી થયાં અલગ, ચાર વર્ષના સંબંધનો આવ્યો અંત
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને પ્રખ્યાત કોરિયોગ્રાફર ધનશ્રી વર્માની લગ્નજીવનને લઈને ચાલી રહેલી અફવાઓ પર હવે પૂર્ણવિરામ આવી ગયો છે. ચાર વર્ષના સંબંધ બાદ બંનેએ સત્તાવાર રીતે છૂટાછેડા લઈ લીધા છે. મળતી માહિતી અનુસાર, છેલ્લા 18 મહિનાથી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા એકબીજાથી અલગ રહેતા હતા. આ જ કારણસર બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોર્ટમાં બંનેએ સ્વીકાર્યું કે તેમને સાથે જીવન આગળ વધારવામાં મુશ્કેલી પડી રહી હતી અને મનમેળ ન હોવાથી અલગ થવાનો નિર્ણય લીધો.
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ વર્ષ 2020માં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ગુરુગ્રામમાં નજીકના પરિવારજનો અને મીત્રોની હાજરીમાં યોજાયા હતા. છૂટાછેડા બાદ બંનેએ સોશિયલ મીડિયા પર કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ ચાહકો માટે આ સમાચાર આશ્ચર્યજનક રહ્યા છે.