સ્ટેરોઇડ, કોલેસ્ટ્રોલની દવાઓ જોખમી! CDSCOનું એલર્ટ
દેશભરમાં દવાઓની ગુણવત્તાને લઈને ચિંતાજનક ખુલાસો થયો છે. ડ્રગ કંટ્રોલર અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા પરીક્ષણમાં સ્ટેરોઈડ અને કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવાઓ સહિત 84 જેટલી દવાઓ નિર્ધારિત ધોરણો પર ખરી ઉતરી નથી. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) દ્વારા આ અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.CDSCO દ્વારા દર મહિને બજારમાં વેચાતી નિમ્ન ગુણવત્તાવાળી દવાઓ અંગે એલર્ટ જાહેર કરવામાં આવે છે. 2024ના નવા આંકડાઓ અનુસાર, વિવિધ કંપનીઓ દ્વારા ઉત્પાદિત દવાઓની 84 બેચમાં ગુણવત્તાનું સ્તર નીચું જોવા મળ્યું છે.
આ દવાઓમાં એસિડિટી, હાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને ચેપ જેવી સામાન્ય સ્થિતિઓની સારવાર માટે વપરાતી દવાઓનો સમાવેશ થાય છે. NSQ (નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી) તરીકે ઓળખાતા દવાના નમૂનાઓની ઓળખ ગુણવત્તાના નિર્ધારિત માપદંડો પર નિષ્ફળ જવાના આધારે કરવામાં આવે છે. પીડા નિવારણ અને સ્નાયુઓને આરામ આપવા માટે વપરાતી ટેપેન્ટાડોલ અને કેરિસૉપ્રોડોલનો ઉપયોગ હવે નશા માટે થતો હોવાથી, આ બંને દવાઓના મિશ્રણના ઉત્પાદન અને નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલે તમામ પ્રદેશોના ડ્રગ્સ કંટ્રોલર ઓથોરિટીને પત્ર લખીને આ અંગે જાણ કરી છે.