ખેડૂતો એપથી તમામ ખેતીને લગતી માહિતી અને સેવાઓ ફ્રીમાં મેળવી શકશે
રાજ્ય સરકારશ્રી દ્વારા ખેતીમાં નવીનતમ ટેકનોલોજી લાવવા તથા નવીનતમ ટેકનોલોજીના માધ્યમથી ખેડુતોની સુખાકારી વધે તે હેતુથી, Satellite data, Weather data, Artificial Intelligence જેવી નવિનતમ આધુનીક ટેકનોલોજીનો ખેતી પ્રવૃતિઓમાં ઉપયોગ કરવાની હિમાયત કરવામાં આવી છે. જેના થકી ખેડુતોની આવક વધે તે ઉમદા હેતુથી “કૃષિ પ્રગતિ” મોબાઇલ એપ્લીકેશન કૃષિ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. આ માધ્યમથી ખેડુત મિત્રો વાવણીથી લઈને કાપણી સુધીના ખેતી કાર્યોને અમલમાં મુકવાનું આયોજન કરી શકશે. આ એપ્લીકેશનનાં માધ્યમથી ખેડુત મિત્રો હવામાનની માહિતી, સેટેલાઈટ આધારિત જમીનમાં ભેજનું પ્રમાણ તથા પાકની તંદુરસ્તીને લગતી માહિતી મેળવી શકશે. ઉપરાંત એપ્લીકેશન દ્વારા પાકમાં આવેલ રોગ-જીવાતનાં ફોટોગ્રાફ અપલોડ કરી Artificial Intelligence ટેકનોલોજી મારફત તેની સંભવિત ઓળખ અને તેના સંભવિત ઉપાય મેળવી શકશે. આ એપ્લીકેશન ખેડુત મિત્રો પ્લે સ્ટોર અને એપ સ્ટોરથી ડાઉનલોડ કરી તમામ ખેતીને લગતી માહિતી અને સેવાઓનો વિના મુલ્યે લાભ મેળવી શકશે. આ એપ્લીકેશન ખેડુતોને કૃષિ સબંધિત માહિતી અને જાણકારી પુરી પાડવા તૈયાર કરવામાં આવેલ છે.