માધવગઢમાં 15 યુગલોના સમૂહ લગ્ન યોજાયા, સાંસદ અને ધારાસભ્યોએ આપી હાજરી
રાવળ યોગી યુવા વિકાસ ટ્રસ્ટ અને મહાકાલ યોગી આશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માધવગઢના નીલકંઠ મહાદેવ મંદિર નજીક આવેલા મહાકાલી સ્ટેડિયમમાં ચોથા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ અવસરે 15 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.
આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, અમદાવાદ પૂર્વના સાંસદ ડૉ. એચ.એસ. પટેલ, કેબિનેટ મંત્રી પુરષોત્તમ રૂપાલા, ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર, ડૉ. સી.જે. ચાવડા, જે.એસ. પટેલ અને રીટાબેન પટેલ જેવા અનેક મહાનુભાવોએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા.
આ સમૂહ લગ્નોત્સવમાં 15 યુગલોએ સાત ફેરા ફરીને પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. આ સમૂહ લગ્નમાં દાતાઓનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો. શાહ દિપકભાઈ ઈશ્વરલાલ અને બિપિનભાઈ પટેલ જેવા અનેક દાતાઓએ આર્થિક અને ભેટ-સોગાદોનું દાન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાવળ યોગી સમાજના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને શુભકામનાઓ પાઠવી હતી. આ સમૂહ લગ્ન સમારોહનું આયોજન રાવળ યોગી યુવા વિકાસ ટ્રસ્ટ અને મહાકાલ યોગી આશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, જે સમાજમાં એકતા અને સહકારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.