ગાંધીનગરની સ્કૂલ ઓફ એચીવર્સમાં બોર્ડની પરીક્ષામાં ધો.12નો વિદ્યાર્થી મોબાઈલ સાથે ઝડપાયો, પોલીસ ફરિયાદ નોંધાઈ
ગાંધીનગરની સ્કૂલ ઓફ એચીવરમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થી મોબાઈલ સાથે ઝડપાયો છે. શાળાના આચાર્યએ આ મામલે ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 3 ફેબ્રુઆરીએ બપોરે 2:40 કલાકે પરીક્ષાર્થીઓને શાળામાં પ્રવેશ આપતા પહેલા સુપરવાઈઝરો દ્વારા તપાસ કરવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રોનિક ઉપકરણો કે અન્ય પ્રતિબંધિત વસ્તુઓ ન રાખવાની સૂચના આપવામાં આવી હતી. બાયોલોજી વિષયની પરીક્ષા દરમિયાન સાડા ચારેક વાગ્યે વર્ગખંડ નિરીક્ષકે એક વિદ્યાર્થીને મોબાઈલ સાથે પકડ્યો હતો. આચાર્યએ તરત જ પરીક્ષા બોર્ડને આ અંગે જાણ કરી હતી. બોર્ડની સૂચના મુજબ વિદ્યાર્થી પાસેથી પ્રશ્નપત્ર અને જવાબવહી લઈ લેવામાં આવી હતી. આ ગંભીર ગેરરીતિ બદલ વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.