ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે શાસ્ત્રોક્ત વિધિથી સામૂહિક સીમંતોન્નયન સંસ્કારવિધિ સંપન્ન
‘સીમંતોન્નયન સંસ્કાર’ હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારો પૈકીનો ત્રીજો અને ગર્ભાવસ્થાથી સંકળાયેલ મહત્વપૂર્ણ સંસ્કાર છે. આ સંસ્કાર ખાસ કરીને ગર્ભાવસ્થાની સુખદ અને સ્વસ્થ યાત્રા માટે માતાને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે શક્તિશાળી બનાવવા માટે કરવામાં આવે છે. ત્યારે આજ રોજ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્રના લાભાર્થી સગર્ભા બહેનો માટે ‘છઠ્ઠા સામૂહિક સીમંતોન્નયન સંસ્કારવિધિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર સંસ્કારવિધિમાં 13 યુગલોએ ભાગ લીધો હતો અને વૈદિક વિધિઓ દ્વારા માતૃત્વના આ શ્રેષ્ઠ તબક્કામાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ સમારંભનું આયોજન માનનીય કુલપતિશ્રી ડૉ. ટી. એસ. જોશીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “સીમંતોન્નયન સંસ્કાર માત્ર એક વિધિ નથી, તે માતા અને ગર્ભસ્થ શિશુ માટે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સંવર્ધનની પરંપરા છે, જે માતૃત્વની યાત્રાને પવિત્ર બનાવે છે.” યુનિવર્સિટીના શિક્ષકશ્રી જયદેવ ધાંધિયા દ્વારા સંપન્ન કરાવવામાં આવેલી સીમંતોન્નયન સંસ્કારવિધિમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી તરફથી દરેક સગર્ભા બહેનોને પ્રમાણપત્રની ભેટ આપવામાં આવી હતી.
સંશોધનો દર્શાવે છે કે, માતાના ભાવનાત્મક અને માનસિક આરોગ્યનો શિશુના માનસિક અને શારીરિક વિકાસ પર સીધો પ્રભાવ પડે છે, જેથી સીમંતોન્નયન સંસ્કાર વધુ પ્રાસંગિક બની જાય છે. આ સંસ્કાર માતૃત્વની યાત્રાને શુભ અને પવિત્ર બનાવવાનો એક શ્રેષ્ઠ ઉપક્રમ છે, જે માતા અને ગર્ભસ્થ શિશુ માટે આશીર્વાદરૂપ બને છે. સમગ્ર કાર્યક્રમનું સંયોજન ડૉ. વૃંદન જયસ્વાલ અને સહ-સંયોજન ડૉ. જલ્પાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આયોજનમાં વિભાગના અધ્યક્ષ ડૉ. રાકેશ પટેલનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.