ગાંધીનગરના સરલ ગ્રુપના બિલ્ડરોનો કેસ : ૩૪.૫૩ કરોડની GST ચોરી કેસમાં કોર્ટે જામીન ના આપ્યા
ગાંધીનગર :
ગાંધીનગરના સરલ ગ્રુપના ફ્લેટ અને વાણિજિયક એકમોની વાસ્તવિક કિંમત ઓછી બતાવીને રૂ.૪૫ લાખનો દસ્તાવેજો કરીને કુલ રૂ.૩૪.૫૩ કરોડની જીએસટીની ચોરી કરનાર બિલ્ડર રવિ જયંતીલાલ પટેલ અને કુણાલ હરેશકુમાર જેઠવાણીને જામીન આપવાનો અત્રેના એડિશનલ ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ એસ.જે.પંચાલે સાફ ઇન્કાર કરી દીધો હતો. બંન આરોપી બિલ્ડરોની જામીન અરજી આકરા વલણ સાથે ફગાવતાં કોર્ટે બહુ ગંભીર ટકોર કરી હતી કે, પૈસા ભરી દેવા માત્રથી આરોપીઓ દ્વારા આચરાયેલા ગુનાની ગંભીરતા ઓછી થઇ જતી નથી અને તેથી પૈસા ભરી દેવાના કારણે તેઓને જામીન પર મુકત ના કરી શકાય.
ચકચારભર્યા એવા આ કૌભાંડમાં જેલમાં ધકેલાયેલા બંને આરોપી બિલ્ડરો રવિ જયંતિલાલ પટેલ અને કુણાલ હરેશકુમાર જેઠવાણી તરફથી કરાયેલી જામીન અરજીમાં એવો બચાવ કર્યો હતો કે, તેઓએ જીએસટી ચોરીની રકમ પૈકી લગભગ રૂ.૧૨ કરોડ જેટલી રકમ તો ડિપાર્ટમેન્ટમાં જમા કરાવી દીધી છે, તેથી હવે તેમને જામીન આપવા જોઈએ. તેઓ કેસની તપાસમાં પણ સાથ સહકાર આપવા તૈયાર છે.
જો કે, આરોપી બિલ્ડરોની જામીન અરજીનો સખત વિરોધ કરતાં જીએસટી ડિપાર્ટમેન્ટ તરફથી સ્પેશ્યલ કાઉન્સેલ સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે, આરોપીઓ વિરૂધ્ધ રૂ.૩૪.૫૩ કરોડની જીએસટી ચોરીનો ખૂબ જ ગંભીર ગુનો છે. વળી કેસની તપાસ હજુ ચાલુ છે અને નાજુક તબક્કામાં છે.
વળી, આરોપીઓએ પૈસા ભરી દીધા હોય તો તેના કારણે તેમણે આચરેલા ગુનાની ગંભીરતા સહેજપણ ઓછી થતી નથી. સૌથી અગત્યનું કે, આરોપી બિલ્ડરો પાસેથી જે ૨૦૦ ડાયરીઓ મળી છે તેમાં એક નંબર અને બે નંબરના એકાઉન્ટના હિસાબો છે, તેની તપાસ ચાલુ છે. વળી, કે ૩૩ ઇલેક્ટ્રોનીક ઉપકરણો-ડિવાઈસ મળ્યા છે, એફએસએલ મારફતે વિશ્લેષણ ચાલી રહ્યું છે અને તેના ડેટા પણ હજુ આવી રહ્યા છે. આ સંજોગોમાં આરોપી બિલ્ડરોને આવા તબક્કે જામીન આપી શકાય નહી., અન્યથા કેસની તપાસને નુકસાન થાય અને આ પ્રકારના આચરતાં બિલ્ડરોને પણ ન ગુખરનો ધંધા કરવાનું પ્રોત્સાહન મળે. તેથી કોર્ટે ગુનાની ગંભીરતા ધ્યાને લઈ આરોપીઓના જામીન ફગાવી દેવા જોઈએ.