અમદાવાદ-ગાંધીનગરની ખાનગી શાળાઓ RTEનો કાયદો ધોઈને પી જાય છે ! ૨૫% સીટ પર ગરીબ વિદ્યાર્થી ભરતી નથી
ગાંધીનગર :
રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન- આરટીઈ એક્ટર૦૦૯ મુજબ દરેક ખાનગી શાળાએ ૨૫ ટકા જગ્યાઓ ઉપર ગરીબ અને નબળા વર્ગના બાળકોને ફરજિયાત એડમિશન આપવાનું હોય છે, છતાં આ ૨૫ ટકા જગ્યાઓ પૂરેપૂરી ભરાતી નથી, મતલબ કે જગ્યાઓ સામે ઓછા ગરીબ બાળકોને એડમિશન આપવામાં આવે છે. અમદાવાદ અને ગાંધીનગર શહેર તથા જિલ્લાના આંક્ડા બુધવારે વિધાનસભામાં જાહેર થયા છે, જેમાં આ બાબત ઊડીને આંખે વળગે છે. અમદાવાદ જિલ્લામાં ૨૦૨૩-૨૪માં ૧૯૯ ખાનગી શાળાઓમાં આરટીઇ કાયદા મુજબ ૨૫ ટકા પ્રમાણે ૧૭૫૩ જગ્યાઓ ઉપર ગરીબ બાળકોને પ્રવેશ આપવાનો થતો હતો,
પરંતુ ૧૨૭૮ ગરીબ વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાયો હતો. આમ ૪૭૫ બેઠકો ખાલી રહી હતી, એવી જ રીતે અમદાવાદમાં ૨૦૨૩-૨૪માં ૧૩૬૨ ખાનગી સ્કૂલોમાં ૨૫ ટકા પ્રમાણે ૧૪૩૨૩ બેઠકો ઉપર ગરીબ બાળકો પ્રવેશ આપવાનો થતો હતો, પણ ૧૧૦૯ શાળાઓની ૧૨૦૮૨ બેઠકો ઉપર પ્રવેશ આપી ૨૨૪૧ બેઠકો ભરાઈ ન હતી, ૨૫૬ ખાનગી શાળાઓએ આદેશ માન્યો ન હતો. ગાંધીનગર જિલ્લામાં ૨૦૨૩-૨૪માં ૨૩૭ ખાનગી શાળાઓમાં ૨૫ ટકા લેખે ૨૦૭૬ બેઠકો ઉપર ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો હતો, પણ ૧૯૩ શાળાઓની ૧૧૩૬ બેઠકો ઉપર જ પ્રવેશ અપાયો હતો, ૯૪૦ જેટલી બેઠકો ખાલી રહી હતી અને ૪૪ શાળાઓએ કાયદો પાળ્યો ન હતો. જ્યારે ગાંધીનગર શહેરમાં ૨૦૨૩-૨૪માં ૪૯ ખાનગી શાળાઓમાં ૨૫ ટકા લેખે ૪૭૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો હતો, પણ માત્ર ૨૬૦ વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાયો હતો, ૨૧૦ જગ્યા ખાલી રહી હતી.
એવી જ રીતે ૨૦૨૪-૨૫માં અમદાવાદ જિલ્લામાં ૨૦૪ ખાનગી શાળાઓમાં ૨૫ ટકા લેખે ૧૦૬૭વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો હતો, પણ ૧૪૫ ઓછા વિદ્યાર્થીને પ્રવેશ અપાયો હતો એકમાત્ર અમદાવાદ શહેરમાં જ ૨૦૨૪-૨૫માં ૧૩૫૪ ખાનગી શાળાઓની ૮૦૬૦ જગ્યાઓ ઉપર ગરીબ વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું થતું હતું, પણ એની સામે ૮૫૬૦ વિદ્યાર્થીઓ પ્રવેશ અપાયો હતો, એટલે કે વધારે ૫૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો, રસપ્રદ એ હતું કે, આમાં ૧૩૫૪ ખાનગી શાળાઓ સામે સંખ્યા ઘટીને ૧૨૨૩ થઈ ગઈ હતી. જ્યારે ગાંધીનગર જિલ્લામાં ૨૦૨૪-૨૫માં ૨૩૭ ખાનગી શાળાઓની ૨૫ ટકા લેખે ૧૨૨૭ સીટ ભરવાની હતી, જેની સામે ૫૦ જેટલા ઓછા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો, આમાં પણ ૪૫ શાળાઓ ઘટી ગઈ હતી.