ધૂળેટી તહેવારની ઉજવણી દરમ્યાન ત્વચાની સંભાળ: આનંદ સાથે સુરક્ષાનો સમન્વય…
ભારતમાં ઉજવાતા ધૂળેટી તહેવારનું આગમન વસંત ઋતુના આરંભની ઉજવણી સાથે થાય છે. આ તહેવાર રંગોની મોજ-મસ્તીમાં અભિવ્યક્તિ પામે છે, જેમાં લોકો પરસ્પર રંગો ઉડાડી ખુશીઓ વહેંચે છે. પણ આ રંગો, ખાસ કરીને રસાયણ યુક્ત હોય ત્યારે, ત્વચા પર બળતરા, ખંજવાળ અને અન્ય પ્રતિક્રિયાઓ ઊભી કરી શકે છે. તેથી, ત્વચાની યોગ્ય સંભાળ અને રક્ષણાત્મક પગલાં જરૂરી બની જાય છે.
એસ.એસ.જી હોસ્પિટલના ત્વચારોગ વિજ્ઞાન વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. નિપુલ વારા જણાવે છે કે, “ધૂળેટીનો આનંદ બધાને ખુશી આપે છે, પણ ત્વચા અને આંખોની સલામતી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. ઉજવણી પહેલાં કુદરતી તેલ, જેમ કે નાળિયેર અથવા બદામનું તેલ ત્વચા પર લગાવવું અત્યંત લાભદાયી છે. તે ત્વચાને રક્ષણ આપે છે અને રંગોને સરળતાથી ધોઈ શકાય છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગરમ હવામાનમાં પરસેવો વધે છે, જેના પરિણામે રંગ ત્વચા પર ચોંટી શકે છે અને અસ્વસ્થતા પેદા કરી શકે છે. તેથી, લાંબા બાંયના કપડાં, ગોગલ્સ, અને સનસ્ક્રીનનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. ખાસ કરીને જે લોકો કોન્ટેક્ટ લેન્સ પહેરે છે, તેમને તે દિવસે ન પહેરવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તે આંખોમાં ગૂંચવણ સર્જી શકે છે.
તહેવાર પછીની ત્વચાની સંભાળ અંગે પણ ડૉ. વારા સૂચવે છે કે, “રંગ દૂર કરવા માટે ઠંડા પાણીથી સ્નાન કરવું, અને નિયમિત સાબુનો ઉપયોગ કરવો યોગ્ય છે. ક્યારેય સેનિટાઇઝર અથવા સ્પિરિટનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તે ત્વચાને વધુ નુકસાન પહોંચાડી શકે છે.” જો ત્વચા અથવા આંખોમાં વધુ સમસ્યાઓ ઊભી થાય, તો નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.
અંતે, હોલીનો આનંદ અને ત્વચાનું સ્વાસ્થ્ય બંને મહત્વપૂર્ણ છે. ઉત્સવની તૈયારીઓમાં ત્વચાની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવી અને ઉજવણી પછી ત્વચાની યોગ્ય સંભાળ રાખવી, નિઃસંદેહ તહેવારના આનંદને વધુ આનંદદાયી બનાવી શકે છે.