વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા આપ નેતા ગોપાલ ઇટાલિયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો દ્વારા વિવિધ સમાજના લોકોને રિઝવવાની કવાયત શરૂ થઈ ગઈ છે. આ ક્રમમાં ભાજપ દ્વારા હાલમાં જ કેટલાક કલાકારોને વિધાનસભા બતાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે આ આમંત્રણમાં ભાજપ દ્વારા ભેદભાવ રાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મુદ્દે આપ નેતા ગોપાલ ઇટાલિયાએ વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. ગોપાલ ઇટાલિયાએ એક વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે, ભાજપે અમુક સારા કલાકારોને અપવાદ રુપ બાદ કરતા કેટલાક સરકારી કલાકારોને વિધાનસભા જોવા માટે નિમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ તેમનું સન્માન કરી ફોટો સેશન્સ કરી તેમજ મીડિયા સમક્ષ ભાજપના વખાણ કરાવવા માટે આ આખો પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો હતો. આમાં જે સરકારી કલાકારો જોડાયા તેમનું કામ ફક્ત ભાજપના વખાણ કરવાનું છે તેમ ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો હતો.
ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપે કલાકારો વચ્ચે જ્ઞાતિ આધારીત ભેદભાવ કર્યો છે. આ બાબતથી દુખી થઇને વિક્રમ ઠાકોરે પોતાની પીડા જાહેરમાં વ્યક્ત કરી હતી. ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ભાજપે જે જ્ઞાતિ આધારિત ભેદભાવ કર્યો છે તે બિલકુલ અયોગ્ય અને ખોટું છે. તેમણે એવું પણ કહ્યું કે, વિક્રમ ઠાકોરને ભાજપે વિધાનસભા જોવાનું આમંત્રણ ન આપ્યું એટલે તેમને હવે પાંચ વર્ષ માટે ચૂંટાઇને વિધાનસભામાં જવાનો નિર્ણય લેવો જોઇએ. તેઓ હવે જે પાર્ટીમાં જવા માંગતા હોય તે પાર્ટી જોઇન કરવી જોઇએ. ગોપાલ ઇટાલિયાએ વિક્રમ ઠાકોરને એવી સલાહ આપી હતી કે, ઠાકોર સમાજ મોટો સમાજ છે, તે ધારે ત્યારે ધારાસભ્ય કે સાંસદ સભ્ય બનાવી શકે છે. તેથી વિક્રમ ઠાકોરે ભાજપ દ્વારા કરવામાં આવેલા અપમાનનો બદલો હવે લેવો જોઇએ.