અમદાવાદ પોલીસે 1100થી વધુ ગુંડાઓની યાદી કરી તૈયાર, ગુનેગારો ફફડયા
અમદાવાદ :
અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વોએ જાહેરમાં આતંક મચાવ્યો હતો. અમદાવાદની આ ઘટના બાદ રાજ્યના પોલીસ વડા એક્શનમાં આવ્યા હતા અને 100 કલાકની અંદર ગુંડાતત્ત્વોની યાદી તૈયાર કરવા જણાવ્યું હતું. અમદાવાદ પોલીસે શહેરમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા 1100થી વધુ ગુંડાઓની યાદી તૈયાર કરી લીધી છે. અમદાવાદમાં ગુંડાઓ સામે અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે.
રાજ્યના ગૃહ વિભાગની સૂચના અને રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ શહેર પોલીસ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. 100 કલાકમાં જ રાજ્યના લિસ્ટેડ ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરવામાં પોલીસ વિભાગે તડામાર તૈયારીઓ શરૂ કરી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ પહોંચ્યા હતા. શહેરમાં ગુનેગારોના લિસ્ટ બનાવવાની મૌખિક જવાબદારી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવી છે. 500 કરતા વધુ શરીર સંબંધી ગુનેગારો અને 400 કરતા વધુ પ્રોહીબિશનના લિસ્ટેડ બુટલેગરોના નામની યાદી તૈયાર કરી દેવામાં આવી હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યું છે. 1100 કરતા વધુ આરોપીઓ વિરૂદ્ધ શહેર પોલીસ કડક હાથે કામગીરી કરશે.
અમદાવાદ પોલીસે શહેરમાં ગુનાહિત પ્રવૃતિઓમાં સંડોવાયેલા 1100 લોકોની યાદી બનાવી છે જેમાં ચોરી, લૂંટ, ડ્રગ્સ, ગેંગવોર અથવા અન્ય ગંભીર અપરાધોમાં સામેલ લોકોનો સમાવેશ થાય છે.આ યાદી બનાવવાનું મુખ્ય લક્ષ્ય શહેરમાં ગુનાઓને ઘટાડવું, ગુનેગારો પર નજર રાખવી અને શાંતિ-સુરક્ષા જાળવવાનું છે.અમદાવાદ પોલીસ ગુનેગારો પર નજર રાખી રહી છે અને તેમની ગતિવિધિઓને ટ્રેક કરી રહી છે જેને કારણે ગુનાઓ બનતા અટકાવી શકાય.