ગુજરાત: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહે તે માટે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે. ગુજરાત સરકાર રવિ માર્કેટિંગ સીઝન 2025-26 માટે ખેડૂતો પાસેથી ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરી રહી છે. આ ખરીદી 17 માર્ચથી શરૂ થઈ ગઈ છે. ઘઉં માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. 2,425 ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ આ ખરીદી કરી રહ્યું છે. જે ખેડૂતો નોંધણી કરાવવામાં બાકી રહી ગયા છે, તેમના માટે નોંધણીની તારીખ 5 એપ્રિલ 2025 સુધી લંબાવવામાં આવી છે. ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ VCE મારફત ઓનલાઈન નોંધણી કરાવી શકશે.
ઓનલાઈન નોંધણી માટે ખેડૂત મિત્રોએ આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો, 7/12, 8/અ તેમજ પાક વાવણી અંગેની એન્ટ્રી “7/12 કે 8/અ”માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની બેંક પાસબૂકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. નોંધણી કરાવેલા ખેડૂતોને SMS દ્વારા ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતોએ પોતાનું આધાર કાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદાર બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે. જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો ખેડૂતનો ક્રમ રદ થશે. ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો ખેડૂતો 8511171718 અને 8511171719 નંબર પર સંપર્ક કરી શકે છે.