ભાવનગરમાં સર્જાયો વર્લ્ડ રેકોર્ડ, માલધારી સમાજની 75000 બહેનોએ એક સાથે રજૂ કર્યો હુડો રાસ
ભાવનગર:
ભરવાડ સમાજના આસ્થા કેન્દ્ર એવા નગાલાખા બાપાના ધામ – બાવળિયાળી ખાતે નિજમંદિરને પોણા ચારસો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મંદિરની પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપ જ્ઞાન ગાથા સ્વરૂપે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ભરવાડ સમાજની 75,000 બહેનો દ્વારા પરંપરાગત ગોપી હુડા મહારાસ યોજી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. આ કાર્યક્રમમાં સંતો, મહંતો અને સમાજના અગ્રણીઓ સહિત 2 લાખ કરતાં વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. મળતી વિગતો પ્રમાણે ધોલેરા તાલુકાના બાવળીયાળી ઠાકરધામ ખાતે સંતશ્રી નગાલાખા બાપાના ઠાકર મંદિરની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાન ગાથાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં દરરોજ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજે ભરવાડ સમાજના પરંપરાગત ગોપી હુડા મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયાની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રની 75,000 થી વધારે ભરવાડ સમાજની મહિલાઓ એકસાથે ગોપી હુડા મહારાસ પ્રસ્તુત કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશનના CEO પાવન સોલંકીના હસ્તે મહંત શ્રી રામબાપુને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.