સાદરાની પ્રાથમિક શાળામાં રોટરી ક્લબ દ્વારા ફ્રી ડેન્ટલ અને ફિઝિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
ગાંધીનગર: રોટરી ક્લબ અમદાવાદ અસ્મિતા દ્વારા સાદરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ડેન્ટલ અને ફિઝિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ સાબરમતીના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં શાળાના બાળકોના દાંતની તપાસ તેમજ તેમના વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર અને બ્લડ સુગર સહિતની શારીરિક તપાસ મફતમાં કરવામાં આવી હતી. ડોક્ટરોની ટીમે બાળકોમાં જોવા મળેલા કોઈપણ બીમારીના લક્ષણો અંગે શિક્ષકોને સાથે રાખીને વિગતવાર સમજૂતી આપી હતી. ધોરણ છ થી આઠના શિક્ષકોએ સક્રિયપણે બાળકોને તમામ પ્રકારના ચેકઅપ કરાવવામાં મદદ કરી હતી.
આ ઉમદા કાર્યને સફળ બનાવવા માટે વર્ષા પ્રજાપતિ, ડોક્ટર ધર્મેન્દ્ર પંચાલ, ડોક્ટર સૌરભ, ડોક્ટર માનસી અને હેતલ શાહ (આરસીસી અસ્મિતા)નો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત રોટરી ક્લબ સાબરમતીના પ્રેસિડેન્ટ બી એન પંચાલ, સેક્રેટરી બિંદેશ પટેલ તેમજ રોટરી ક્લબ અમદાવાદ અસ્મિતાના પ્રેસિડેન્ટ રિયા સુદાની, સેક્રેટરી નેહા શાહ અને અન્ય સભ્યો સંગીતા શાહ, હેમા શાહે પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.સાદરા પ્રાથમિક શાળા પરિવાર વતી શિક્ષક ધર્મેન્દ્રભાઈ રાવલે આ તમામ સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.