હરિયાણાના ભારત માલા હાઈવે પર એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતમાં અમદાવાદ શહેરના ત્રણ પોલીસ કર્મચારીઓએ જીવ ગુમાવ્યા છે, જ્યારે એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, હાઈવે પર ઊભેલા એક ટ્રેલર સાથે ગુજરાત પોલીસની જીપ જોરદાર રીતે અથડાઈ હતી.
અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનના PSI સોલંકી અને ત્રણ પોલીસકર્મીઓ પોસ્કોના એક ગુનાની તપાસ માટે હરિયાણાના લુધિયાણા તરફ જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસની જીપમાં ચાર પોલીસ કર્મચારીઓ અને એક ખાનગી વ્યક્તિ સવાર હતા. તેઓ તપાસના ભાગરૂપે અગાઉ રાજસ્થાન પણ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણેય પોલીસકર્મીઓ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા PSIને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાથી અમદાવાદ પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.