ઝાડ કાપવું માણસની હત્યાથી મોટો ગુનો: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે પર્યાવરણની સુરક્ષાને લઈને એક કડક સંદેશ આપતા મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે ઝાડ કાપવું એ માણસની હત્યા કરવાથી પણ મોટો ગુનો છે. ન્યાયાધીશ અભય એસ ઓકા અને ન્યાયાધીશ ઉજ્જવલ ભુયાનની ખંડપીઠે તાજ ટ્રેપેઝિયમ ઝોનમાં ગેરકાયદેસર રીતે 454 વૃક્ષો કાપનારા શિવશંકર અગ્રવાલ નામના વ્યક્તિની અરજીને ફગાવી દેતા આ ટિપ્પણી કરી હતી.
કોર્ટે ગેરકાયદેસર રીતે કાપવામાં આવેલા દરેક ઝાડ દીઠ એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે, જેના કારણે અરજદારને કુલ 4.54 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે. સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી (CEC)ના અહેવાલને માન્ય રાખતા આ નિર્ણય લીધો હતો. કોર્ટે અવલોકન કર્યું હતું કે મંજૂરી વિના કાપવામાં આવેલા આ વૃક્ષોથી જે હરિયાળો વિસ્તાર નષ્ટ થયો છે, તેવો વિસ્તાર ફરીથી બનાવવામાં ઓછામાં ઓછા 100 વર્ષ લાગશે. આરોપીના વકીલે ભૂલ સ્વીકારી દંડ ઘટાડવાની વિનંતી કરી હતી, પરંતુ કોર્ટે તેને નકારી કાઢી હતી.