વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારી: ગાંધીનગરનું ચ-૦ સર્કલ હવે કાયમી રોશનીથી ઝળહળશે
ગાંધીનગર: આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ગાંધીનગર મહાનગરપાલિકાએ શહેરને વધુ આકર્ષક બનાવવાની દિશામાં એક નોંધપાત્ર કાર્ય કર્યું છે. મહાનગરપાલિકા દ્વારા ચ-૦ સર્કલની બંને બાજુના લેન્ડસ્કેપ વિસ્તારમાં કાયમી ધોરણે આકર્ષક ડેકોરેટીવ રોશની સ્થાપિત કરવામાં આવી છે, જેનું તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાયમી લાઇટિંગ ઇન્સ્ટોલેશનમાં વિવિધ મનમોહક આકૃતિઓ, ઝળહળતા શિલ્પો અને આકર્ષક લાઇટ સ્ટ્રક્ચર્સનો સમાવેશ થાય છે. આ રોશની શહેરની રાત્રિની સુંદરતામાં એક નવું પરિમાણ ઉમેરશે અને નગરજનો માટે એક આહલાદક દ્રશ્ય ઊભું કરશે. આ પ્રસંગે ગાંધીનગરના ધારાસભ્ય રિટાબેન પટેલ અને મેયર મીરાબેન પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ પહેલ ગાંધીનગરને એક વધુ સુંદર અને આકર્ષક શહેર તરીકે પ્રસ્થાપિત કરવામાં મદદરૂપ થશે.