T20 ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમનારી ટીમ બની મુંબઈ ઈન્ડિયન્સ
મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે મેદાનમાં ઉતરતાની સાથે જ T20 ક્રિકેટમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ હવે T20 ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમનારી ટીમ બની ગઈ છે. RCB સામેની આ મેચ મુંબઈની T20 ફોર્મેટમાં 288મી મેચ છે. આ સાથે મુંબઈએ ઈંગ્લેન્ડની સમરસેટ ટીમને પાછળ છોડી દીધી છે, જેણે અત્યાર સુધીમાં 287 T20 મેચ રમી છે. પાંચ વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ માટે આ એક મોટી સિદ્ધિ છે. આ યાદીમાં હેમ્પશાયર ત્રીજા ક્રમે અને RCB ચોથા ક્રમે છે. આજની મેચમાં મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ પોતાની સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરી છે, કારણ કે ઈજામાંથી સાજા થયા બાદ જસપ્રીત બુમરાહ અને રોહિત શર્મા ટીમમાં પરત ફર્યા છે. રોહિત શર્મા જોકે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ટીમમાં સામેલ છે. બુમરાહના આગમનને કારણે અશ્વિની કુમારને બહાર બેસવું પડ્યું છે, જ્યારે RCBએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.