ગાંધીનગરગુજરાત

કલકત્તી તેમજ રૃદ્રાક્ષ રાખડીઓ ગાંધીનગરના બજારમાં હોટ ફેવરીટ

ગાંધીનગર,શુક્રવાર
ભાઇ અને બહેનના પ્રતિક સમા રક્ષા બંધનના પાવન પર્વની શ્રાવણ સુદ પુનમના દિવસે ઉજવણી કરવામાં આવશે. ગરીબ અને શ્રીમંત પરિવારની લાડકી દિકરીઓ પોતાના ભાઇની રક્ષા માટે રક્ષાબંધનના આ પાવન પર્વના દિવસે હાથમાં રાખડી બાંધીને તેની સુરક્ષા થાય અને આયુષ્ય વધે તે માટે પ્રાર્થના કરશે. રક્ષાબંધનના પાવન પર્વમાં અગાઉ બહેનો ભાઇને સુતરની દોરી બાંધીને રાખડીના પ્રતિકરૃપે બાંધતી હતી પરંતુ બદલાતાં જતાં સમય પ્રમાણે રાખડીઓમાં પણ હવે અવનવી વેરાઇટીઝ બજારમાં ઉપલબ્ધ થઇ રહી છે. અગાઉના સમયમાં રાખડીના ગોટા મળતાં હતા. પરંતુ આજના સમયમાં અને હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને વેપારીઓ પણ ફેન્સી રાખડીઓને બજારમાં વેચાણ અર્થે મુકી રહ્યાં છે. ગાંધીનગર શહેરમાં પણ આ બદલાતાં સમય પ્રમાણે અવનવી રાખડીઓ બજારમાં જોવા મળી રહી છે. ગાંધીનગર શહેરમાં દર વર્ષે રાખડીઓના ૭૦ જેટલાં સ્ટોલમાં અંદાજે ૪૨ લાખ રૃપિયાની રાખડીઓનું વેચાણ થઇ રહ્યું છે. વધતી જતી મોંઘવારીના પગલે રાખડીઓના ભાવમાં પણ આ વર્ષે ૧૦ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. ૧૮મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનની ઉજવણી પર્વ અગાઉ શહેરના બજારોમાં પણ નગરજનો ઉત્સાહપૂર્વક અવનવી રાખડીઓની ખરીદી કરી રહ્યાં છે.

નાના બાળકોમાં ફેવરીટ એવા છોટા ભીમ તથા ડોરેમોન અને થોમસ, ગોર્ડન તથા નોબીતા સહિત મોટુ પતલુંના કાર્ટુન કેરેક્ટરની અવનવી રાખડીઓએ પણ બાળકોમાં આકર્ષણ ઉભું કર્યું છે તો નાના બાળકો માટે ગણેશ અને કૃષ્ણ બલરામ તથા ઢીંગલીની લાઇટવાળી સહિત લીટલ વન્ડર અને બાળકોના ફેવરીટ કેરેક્ટરોની રાખડીઓ પણ આ વર્ષે બજારમાં આકર્ષણ જમાઇ રહી છે. શહેરના બજારોમાં નાના બાળકોમાં આકર્ષણ જમાવતી આ રાખડીઓ ૧૦ થી ૭૦ રૃપિયા સુધી વેચાણમાં મળી રહી છે તો બહેનોના પવિત્ર આ તહેવારોમાં ભાઇઓને બાંધવા માટે તેમજ આખું વર્ષ આ રાખડી અકબંધ રહે તે માટે અમેરિકન તથા જર્મન ડાયમંડ , કલકત્તી, રૃદ્રાક્ષ અને સુખડ સહિત અન્ય વેરાઇટીઝ રાખડીઓ પણ બજારમાં જોવા મળી રહી છે. ગાંધીનગર શહેરના બજારોમાં સિક્કાવાળી રાખડી પ૦ રૃપિયા તો રૃ।. ૪૦૦ થી૬૨૦ સુધીમાં ડાયમંડ રાખડીઓ અને અમેરિકન ડાયમંડની રાખડીઓ ૮૦૦ રૃપિયા સુધીની વેપારીએ વેચાણ અર્થે મુકી છે. તો બીજી તરફ ૧પ૦ થી ૨પ૦ રૃપિયા સુધી સુખડની અવનવી વેરાઇટીઝની રાખડીઓ શહેરના બજારોમાં ઉપલબ્ધ છે. તો વિવિધ પ્રકારની ફેન્સી રાખડીઓ પણ ૧૦ થી ૧૦૦૦ રૃપિયા સુધી જોવા મળી રહી છે.

આ રક્ષાબંધનના પાવન પર્વ અગાઉ રાખડીઓના વેપાર સાથે સંકળાયેલા પરેશભાઇએ જણાવ્યું હતું કે, આ વર્ષે બજારમાં અવનવી સ્ટાઇલની અને બાળકોમાં આકર્ષણ જમાવતી રાખડીઓ બજારમાં સામાન્ય ૧૦ રૃપિયાથી માંડી ૮૫૦ સુધીની વેચાણ અર્થે મુકી છે. જ્યારે રક્ષાબંધનના પર્વમાં રાખડીઓની સાથે સાથે વેપારીઓએ તૈયાર પુજાની ડીશ રૃપિયા ૩૫૦ સુધીની તથા કંકુચોખાની ડબ્બી રૃપિયા ૨૨૦ અને તહેવારને અનુરૃપ રૃપિયા પ થી ૬૦ સુધીના કાર્ડ પણ વેચાણ અર્થે મુકવામાં આવ્યા છે. જ્યારે બહેનો તેમની ભાભીને બાંધવા માટેની ભાભી રાખડી પણ રૃપિયા ૪૦ થી ૪૦૦ સુધીની જોવા મળી રહી છે. જ્યારે ચાંદીની અને ડાયમંડની રાખડીઓમાં પણ વિવિધ વેરાઇટીઝ જોવા મળી રહી છે. ઉપરાંત આજના આ આધુનિક સમયમાં અવનવી ફેન્સી રાખડીઓ સામે પણ ગોટા રાખડીએ તેનું સ્થાન અકબંધ રાખ્યું છે. આમ ગાંધીનગર બજારો પણ રાખડીની ખરીદીથી છલકાઇ રહ્યાં છે. આમ રક્ષા બંધનના પર્વને ગણતરીના દિવસો બાકી છે અને શનિ, રવિ અને સોમવારે રજાના દિવસો હોવાથી છેલ્લા દિવસોની ખરીદીમાં વધારો નોંધાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x