ભારતના કૃષિ ક્ષેત્ર તેમજ અર્થતંત્ર માટે સારા સમાચાર
કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે દેશના કૃષિ ક્ષેત્ર માટે સારા સમાચાર આપ્યા છે. આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતાં વધુ એટલે કે સરેરાશ 105 ટકા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. એલ-નીનો અને ઇન્ડિયન ઓસિયન ડાઇપોલ સામાન્ય રહેવાનું અનુમાન છે, જે સારા વરસાદના સંકેતો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે, જૂનથી સપ્ટેમ્બર સુધીના ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. આ આગાહી ભારતના કૃષિ ક્ષેત્ર અને અર્થતંત્ર માટે સારી છે, કારણ કે દેશની 45 ટકાથી વધુ વસ્તી કૃષિ પર નિર્ભર છે. જો કે, કાશ્મીર, લદ્દાખ, તમિલનાડુ, બિહાર અને પૂર્વોત્તરના રાજ્યોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને બંગાળમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. આ સાથે જ એપ્રિલથી જૂન સુધી કાળઝાળ ગરમી પડવાની પણ આગાહી કરવામાં આવી છે.