ગાંધીનગર

અનુસૂચિત જાતિના યુવાનોને રાષ્ટ્ર સુરક્ષાની સેવામાં જોડાવવાની ઉમદા તક

અનુસૂચિત જાતિના યુવાનો રાષ્ટ્ર સુરક્ષાની સેવામાં જોડાઈને પોતાની કારકિર્દી બનાવે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકારની ‘સૂબેદાર રામજી સકપાલ યોજના’ અંતર્ગત અગ્નિવીર પરીક્ષાની તૈયારી માટે તાલીમ આપવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રી ભાનૂબેન બાબરીયાના નેતૃત્વમાં આ વર્ષે રૂ. ૫૧ લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાના સુયોગ્ય અમલીકરણ માટે ગાંધીનગર સ્થિત રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા યુવાનોને ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરાશે.

આ યોજના હેઠળ રક્ષા શક્તિ યુનિવર્સિટી અનુસૂચિત જાતિના પસંદગી પામેલા ૧૫૦ તાલીમાર્થીઓને ૭૫ દિવસ માટે તાલીમ આપવામાં આવશે. આ યોજના હેઠળ તાલીમાર્થીને માત્ર તાલીમ જ નહિ પરંતુ રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેક યુવાનને દર મહિને ૧,૦૦૦ રૂપિયા લેખે રૂ. ૨૫૦૦ સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે. આ સ્ટાઈપેન્ડની રકમ તાલીમાર્થીના એકાઉન્ટમાં સીધી DBT મારફતે ચૂકવવામાં આવશે.

અગ્નિવીરમાં ગુજરાતમાંથી સૌથી વધુ યુવાનો સફળ થાય તે માટે સૂબેદાર રામજી સકપાલ યોજના હેઠળ ૧૭.૫ વર્ષથી ૨૧ વર્ષ સુધીના યુવાનોની પસંદગી કરવામા આવશે. આ તાલીમ માટે ઊંચાઈ ૧૬૮ સે. મી., વજન ૫૦ કિલોગ્રામ, છાતી ૭૭+૫ સે.મી.નું શારીરિક લાયકાતનું ધોરણ નક્કી કરાયું છે. આ યોજનાનો લાભ લેવા માટે શૈક્ષણિક ન્યૂનતમ લાયકાત ધો.૧૦ રાખવામાં આવ્યું છે સાથે જ ધોરણ ૧૦માં ઓછામાં ઓછા ૪૫ ટકા હોવા પણ જરૂરી છે. આ માટે અરજીની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી છે. રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા મળેલી અરજીઓ પૈકી પ્રાથમિક તબક્કે શારીરીક કસોટી તથા લેખિત પરીક્ષા દ્વારા તાલીમાર્થીઓની પસંદગી સંપૂર્ણ પારદર્શીતાથી કરવામાં આવશે.

સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા ‘સૂબેદાર રામજી સકપાલ યોજના’ હેઠળ અનુસૂચિત જાતિના યુવાનોને રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે રહેવા, જમવા, સ્ટાઈપેન્ડ, તાલીમ સહિતની બાબતો માટે રૂ. ૫૧ લાખની જોગવાઈ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં આ યોજના અંતર્ગત રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા સંપૂર્ણ માર્ગદર્શીકા જાહેર કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x