ગાંધીનગર કલેક્ટર મેહુલ કે.દવેની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ
ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રી મેહુલ કે. દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરી સમિતિખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠક અંતર્ગત ધારાસભ્યશ્રીના પ્રશ્નોનું નિરાકરણ તથા તળાવ બ્યુટીફિકેશન, વરસાદી પાણીનો યોગ્ય નિકાલ અને ચોમાસું નજીક હોવાથી ગામડામાં લટકતા વીજળીના તાર ,જોખમી વીજ જોડાણો, સૂર્યઘર યોજન,હિટવેવ વગેરે જેવી બાબતે ચર્ચા કરી યોગ્ય નિકાલ લાવવા કલેક્ટર શ્રી દ્વારા જે તે અધિકારીને સૂચન કરવામાં આવ્યું હતું.
સંકલન બેઠક અંતર્ગત કલેક્ટરશ્રીએ હીટવેવ અનુસંધાને શ્રમિકોને બપોરના સમયગાળા દરમિયાન કામ ન કરાવવા તથા કચેરીઓમાં અરજદારો માટે અને કામના સ્થળ પર શ્રમિકો માટે છાયડો, પીવાનું પાણી તેમજ ઓઆરએસ સહિતની વ્યવસ્થાઓ કરવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી. આ સિવાય જિલ્લા અને તાલુકાના જનસેવા કેન્દ્રો પર આવતા અરજદારોને પણ ઓઆરએસ સહિતની સુવિધા મળી રહે તે અંગે પણ સુચના આપવામાં આવી હતી.
સંકલન બેઠકમાં જિલ્લા કક્ષાની કચેરીઓના કામગીરી અહેવાલ પત્રકો અંગે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. જે સંદર્ભે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, ‘તમે તમારા પાવર્સ નો યુઝ નહીં કરો તો પાવર પાંગળા થઈ જશે.’માટે જે તે અધિકારીના તાબા હેઠળની કચેરીઓમાં જઈ અરજદારોની સુવિધા, કર્મચારીઓના વાણી વર્તન વગેરેની માહિતી મેળવતા રહેવા અને જનતાના પ્રશ્નોને સાંભળી માત્ર પત્રક ભરવા નહીં પણ અરજદારોની ચિંતા કરતા પોતાની કામગીરી નિષ્ઠાથી કરવા જણાવ્યું હતું. સાથે જ એક અઠવાડિયામાં તાબા હેઠળ આવતી જે તે કચેરીઓની મુલાકાત કરી ગ્રાઉન્ડ લેવલે કામગીરી કરવા કલેકટરશ્રીએ અધિકારીઓને વિનંતી સભર આદેશ કરતા જણાવ્યું હતું કે, પત્રકો માં માત્ર માહિતી કે આંકડાઓ ભરવા પૂરતા જ નહીં પણ આ આંકડાઓ કે માહિતી સુયોગ્ય રીતે જસ્ટીફાય કરી કામગીરી કરો તેવી આશા વ્યક્ત કરી હતી.
ઉપરાંત સુજલામ્ સુફલામ્ અભિયાન અંતર્ગત જળસંચય અને વરસાદી પાણીના સંગ્રહ માટે યોગ્ય કાર્યવાહી કરવા તથા ગ્રામ સેવક સહિતના અધિકારીઓ/કર્મચારીઓ સમયસર તેમની ફરજ પર હાજર રહે તથા ગામડાઓમાં પીવાનું પાણી યોગ્ય માત્રામાં પહોંચી જાય તે માટે કરકસર કરીને પણ પાણીની યોગ્ય વ્યવસ્થા કરવા સંબંધીત વિભાગોને કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી.
જિલ્લામાં સ્કીમ સેચ્યુરેસન અંતર્ગત આગામી સમયમાં કામગીરી શરૂ થવા જઈ રહી છે, જેમાં દરેક વિભાગ પોતાને લાગતી વળગતી યોજનાઓની માહિતી આપે અને વધુમાં વધુ લાભાર્થીઓ સુધી યોજનાકીય લાભો પહોંચી શકે તે રીતે કામગીરી કરવા પણ કલેકટર શ્રી અનુરોધ કર્યો હતો.
કલેકટર શ્રી એ આ સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં સૂર્ય ઘર યોજના વિશે પણ વધુમાં વધુ જાગૃતિ ફેલાય અને તેનો લાભ મહત્તમ લોકો લઈ શકે તે માટે પણ ચર્ચા કરી હતી.
આ બેઠકમાં માણસાના ધારાસભ્યશ્રી જે.એસ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શિલ્પાબેન પટેલ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.જે પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એન વાઘેલા, નિવાસી અધિક કલેક્ટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટ સહિત પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફીસરશ્રીઓ તથા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.