હવે 10 વર્ષથી વધુ ઉંમરના બાળકો સ્વતંત્ર રીતે ચલાવી શકશે બેંક ખાતું
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ બેંકિંગ નિયમોમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. નવા દિશાનિર્દેશો અનુસાર, હવે 10 વર્ષથી વધુ ઉંમરના સગીરોને પોતાના બચત ખાતા અને ફિક્સ્ડ ડિપોઝિટ ખાતા સ્વતંત્ર રીતે ખોલવાની અને તેનું સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉ, સગીરોના બેંક ખાતાઓ માટે માતાપિતાની મંજૂરી ફરજિયાત હતી.
RBI દ્વારા કોમર્શિયલ અને સહકારી બેંકોને જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ ઉંમરના સગીરો તેમના વાલી દ્વારા ખાતું ખોલાવી અને ચલાવી શકે છે, જેમાં માતાને પણ વાલી તરીકે સ્વીકારવામાં આવશે. જો કે, 10 વર્ષથી વધુ ઉંમરના સગીરોને બેંકો તેમની જોખમ વ્યવસ્થાપન નીતિ અનુસાર ખાતાની રકમ અને શરતો નક્કી કરી શકે છે. આ અંગેની તમામ માહિતી ખાતાધારકને આપવામાં આવશે.
બેંકો પોતાની નીતિ અનુસાર સગીર ખાતાધારકોને ઇન્ટરનેટ બેંકિંગ, એટીએમ/ડેબિટ કાર્ડ અને ચેક બુક જેવી સુવિધાઓ પણ આપી શકશે. પરંતુ બેંકોએ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે ખાતામાં વધુ પડતો ઉપાડ ન થાય અને તેમાં હંમેશા જરૂરી રકમ જળવાઈ રહે. RBIએ બેંકોને 1 જુલાઈ, 2025 સુધીમાં આ નવા દિશાનિર્દેશો અનુસાર તેમની નીતિઓમાં જરૂરી ફેરફારો કરવા જણાવ્યું છે.