ગાંધીનગરમાં સરકારી જમીન ખુલ્લી કરાવવા ઝુંબેશ, 80 દબાણો દૂર
ગાંધીનગર પાટનગર યોજના વિભાગે રહેણાંક અને વાણિજ્ય હેતુના દબાણોથી ઘેરાયેલી સરકારી જમીનોને મુક્ત કરાવવા માટે સોમવારથી ઝુંબેશ શરૂ કરી છે. પ્રથમ દિવસે મીના બજાર, સેક્ટર ૬ અને ૧૬માંથી ઝુંપડાં અને લારી ગલ્લાના કુલ ૮૦ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. વિભાગ દ્વારા ઓળખી કાઢવામાં આવેલા 1400 જેટલા દબાણોને દૂર કરવા માટે 30 ટીમોની રચના કરવામાં આવી છે, જેમાંથી દરરોજ પાંચ ટીમો કાર્યરત રહેશે. આ કામગીરી આગામી 26મી એપ્રિલ સુધી ચાલુ રહેવાની છે. અધિકારીઓની આગેવાની હેઠળ જેસીબી અને બુલડોઝરની મદદથી કાચા અને પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પણ સાથે રહી હતી. દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન કેટલાક ગરીબ પરિવારોની મુશ્કેલી જોવા મળી હતી, જેઓ ભાડાની જમીન પર ઝૂંપડા બનાવીને રહેતા હતા અને કેટલાક કિસ્સામાં રાજકીય વગ ધરાવતા લોકો દ્વારા તેમની પાસેથી નિયમિત હપ્તા પણ વસૂલવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે. હવે ખુલ્લી કરાયેલી જમીનને સુરક્ષિત કરવાની વિચારણા ચાલી રહી છે, પરંતુ હપ્તાખોરી ચાલુ રહેશે તો ફરીથી દબાણો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.