ગિફ્ટ સિટીમાં દારૂની મહેફિલ હવે બહારના લોકો પણ માણી શકશે, નિયમોમાં મોટો ફેરફાર
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં લિકર પરમિટના નિયમોમાં ગુજરાત સરકારે મહત્વનો સુધારો કર્યો છે. હવે બહારના લોકો પણ લિકર એક્સેસ પરમિટ ધરાવનાર કર્મચારી સાથે મહેમાન તરીકે આવીને દારૂની મહેફિલ માણી શકશે. અગાઉ, પરમિટ માટે કર્મચારીને રેકમન્ડિંગ ઓફિસરની ભલામણની જરૂર પડતી હતી, જેને હવે દૂર કરવામાં આવી છે.
નવા નિયમ મુજબ, ગિફ્ટ સિટીમાં કામ કરતો કોઈપણ કર્મચારી ફોર્મ-1 ભરીને ઓથોરાઈઝ્ડ ઓફિસરને અરજી આપીને લિકર એક્સેસ પરમિટ મેળવી શકશે. ઓફિસર કંપનીમાં કર્મચારીની વિગતો ચકાસશે અને સાચી જણાય તો પરમિટ આપશે. આ પરમિટ ધારક વ્યક્તિ વધુમાં વધુ પાંચ મહેમાનો માટે ટેમ્પરરી પરમિટ મેળવી શકશે, એટલે કે એક સાથે છ લોકો દારૂ પી શકશે.
જો કે, રેકમન્ડિંગ ઓફિસરનો નિયમ હટાવવાને કારણે પરમિટના દુરુપયોગની શક્યતા પણ વધી છે. એવી આશંકા છે કે જે કર્મચારીઓએ પરમિટ ન લીધી હોય તેમના નામે પણ બારોબાર પરમિટ બની શકે છે, કારણ કે હવે કંપની પાસે તેના કર્મચારીઓની પરમિટનો કોઈ રેકોર્ડ નહીં રહે. આ ઉપરાંત, અમુક લોકો ઘણી પરમિટો ભેગી કરીને મોટા પાયે પાર્ટીઓ પણ કરી શકે છે.
સરકારના જણાવ્યા અનુસાર, ગિફ્ટ સિટીમાં લિકરનું વેચાણ ધાર્યા કરતાં ઓછું રહ્યું છે, જેનું એક કારણ ઊંચા ભાવ પણ હોઈ શકે છે.