વિસ્થાપીતોની વસાહતમાંથી કોલેરા બાદ ઝાડા ઉલ્ટીના ૨૭ દર્દીઓ મળ્યા
ગાંધીનગરના રેલવે સ્ટેશનના પાછળના ભાગમાં આવેલી વિસ્થાપીતોની વસાહતમાં છેલ્લા ઘણા દિવસોથી રોગચાળો ફાટી નીકળ્યો છે. જેમાં બે દિવસ પહેલા કોલેરાના બે કેસ મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું. ત્યાર બાદ આ વિસ્તારમાં કોર્પોરેશનની ટીમે સર્વેલન્સ કરતા સતત બે દિવસ ઝાડા-ઉલ્ટીના કેસ વધતા ગયા છે. એક બાજુ અંડરગ્રાઉન્ડ લાઇનથી અપાતું પાણી બંધ કરવા છતા ઝાડા ઉલ્ટીના દર્દીઓની સંખ્યા સતત વધતા તંત્ર ચિંતિત થયું છે એટલુ જ નહીં, અહીંની આંગણવાડીમાં તાત્કાલિક ઓપીડી પણ શરુ કરી દેવામાં આવી છે.
ગાંધીનગરના ખ રોડ ઉપર રેલવે સ્ટેશનની પાછળના ભાગમાં આવેલી વિસ્થાપીતોની વસાહતમાં બે દિવસ પહેલા ઝાડા ઉલ્ટીના બે દર્દીઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા તબીબે આ બન્ને બાળદર્દીઓનું પરિક્ષણ કરાવતા તેમને કોલેરા પાઝિટિવ આવ્યો હતો આ વિસ્તારના છાપરામાં રહેતા ૧૦ વર્ષિય બાળક જ્યારે ૧૪ વર્ષિય કિસોરીને સિવિલમાં જ સારવાર ચાલી રહી છે. ત્યારે આ બાળ દર્દીઓ કોલેરાગ્રસ્ત હોવાની જાણ કોર્પોરેશનના આરોગ્ય વિભાગને આપવામાં આવી હતી.જેને પગલે તંત્ર હરકતમાં આવ્યું હતું અને આ વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી શરુ કરી દિધી હતી તો શંકાસ્પદ દર્દીઓને પણ સઘન સારવાર મળી રહે તે માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામાં આવી રહ્યા છે.બે
વિસ્થાપિતોની વસાહતમાંથી દિવસમાં આ અસરગ્રસ્ત વિસ્તારમાંથી ઝાડા-ઉલ્ટીના ૨૦ જેટલા કેસ મળી આવ્યા છે ત્યારે આજે વધુ સાત કેસ કોર્પોરેશનની ટીમે શોધ્યા છે. જેના પગલે આ વિસ્તારમાં બે કોલેરાના પોઝિટિવ કેસ ઉપરાંત ઝાડા-ઉલ્ટીના વઘુ ૨૭ કેસ આ વિસ્તારમાંથી મળ્યા છે. ત્યારે પાણીની લાઇન બંધ કરી દેવામાં આવી છે અને ટેન્કરથી જ આ વિસ્તારમાં પાણી આપવામાં આવી રહ્યું છે. સાથે સાથે દર્દીઓને સારવાર મળી રહે તે માટે આંગણવાડીમાં ઓપીડી શરુ કરવામાં આવી છે.