પહલગામ હુમલાનો પડઘો: ભારતના પાકિસ્તાન સામે પાંચ મોટા પગલાં
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક પગલાં લીધા છે. જેમાં સિંધુ જળ કરાર પર રોક લગાવવા અને અટારી બોર્ડર ચેક પોસ્ટ તાત્કાલિક બંધ કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભારતમાં રહેલા તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે અને તેમને 48 કલાકમાં દેશ છોડવાનો આદેશ અપાયો છે.
કેન્દ્ર સરકારે પાકિસ્તાનમાં પોતાના ઉચ્ચાયુક્તના કાર્યાલયના રક્ષા અને સૈન્ય સલાહકારોને પરત બોલાવવાનો નિર્ણય લીધો છે, સાથે જ ત્યાંના કર્મચારીઓની સંખ્યા પણ ઘટાડીને 30 કરવામાં આવશે. આ નિર્ણયો વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી CCSની બેઠકમાં લેવાયા હતા, જેમાં આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિનું પુનરાવર્તન કરાયું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે હુમલામાં 25 ભારતીય અને 1 નેપાળી નાગરિકનું મોત થયું છે અને વિશ્વભરે આ હુમલાની નિંદા કરી છે. આ ઘટનાને પગલે આવતીકાલે સંસદમાં સર્વદળીય બેઠક પણ યોજાશે.