ધોરણ 7ના પુસ્તકોમાંથી મુઘલો અને દિલ્હી સલ્તનત કરાયા દૂર
ધોરણ 7 ના એનસીઇઆરટીના પાઠ્યપુસ્તકોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા પાઠ્યપુસ્તકોમાંથી મુઘલ સામ્રાજ્ય અને દિલ્હી સલ્તનતને લગતા પ્રકરણોને દૂર કરવામાં આવ્યા છે. તેના બદલે ભારતીય રાજવંશો, પવિત્ર ભૂગોળ, મહાકુંભ, મેક ઇન ઇન્ડિયા અને બેટી બચાવ, બેટી પઢાઓ જેવા વિષયોના પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ચાલુ સપ્તાહમાં બહાર પાડવામાં આવેલા આ નવા પુસ્તકો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અને નેશનલ કરીકયુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજયુકેશન (NCFSE), 2023ને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયા છે. NEP અને NCFSE શાળા શિક્ષણમાં ભારતીય પરંપરાઓ અને સ્થાનિક સંદર્ભોને મહત્વ આપે છે.
એનસીઇઆરટીના અધિકારીઓએ જણાવ્યું છે કે આ પુસ્તકનો પ્રથમ ભાગ છે અને બીજો ભાગ ટૂંક સમયમાં આવશે. જો કે, દૂર કરાયેલા પ્રકરણો બીજા ભાગમાં સામેલ થશે કે નહીં તે અંગે તેમણે કોઈ સ્પષ્ટતા કરી નથી. અગાઉ પણ એનસીઇઆરટીએ મુઘલ અને દિલ્હી સલ્તનતના કેટલાક ભાગોને દૂર કર્યા હતા, પરંતુ નવા પુસ્તકોમાં તેમના તમામ સંદર્ભો કાઢી નાખવામાં આવ્યા છે.