ગુજરાત બોર્ડના પરિણામો ટૂંક સમયમાં જાહેર થશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામો આગામી સાત દિવસમાં જાહેર કરવામાં આવશે. બોર્ડના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કાર્ય પૂર્ણ થઈ ગયું છે. જાણવા મળ્યું છે કે ધોરણ 12 સાયન્સનું પરિણામ આ મહિનાની શરૂઆતમાં જાહેર થઈ શકે છે. આ વર્ષે ધોરણ 10 અને 12ની પરીક્ષામાં કુલ 14 લાખ 28 હજાર 175 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ધોરણ 10ના 8 લાખ 92 હજાર 882 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4 લાખ 23 હજાર 909 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સાયન્સના 1 લાખ 11 હજાર 384 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. રાજ્યના 16 હજાર 661 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.