સુરતમાં પહેલગામ હુમલાના વિરોધમાં મુસ્લિમ સમાજની વિશાળ રેલી
સુરત: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં સુરતમાં મુસ્લિમ સમાજે મંગળવારે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. શહેરના ફૂલવાડી વિસ્તારમાં મુસ્લિમ સમાજના યુવાનો, વડીલો અને આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને વિશાળ રેલી યોજી હતી. રેલીમાં જોડાયેલા લોકોએ આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને “આતંકવાદ મુર્દાબાદ”ના નારા લગાવ્યા હતા. મુસ્લિમ સમાજના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આતંકવાદને ઇસ્લામમાં કોઈ સ્થાન નથી. તેમણે આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી હતી અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
આ ઘટનાને લઈને સમગ્ર મુસ્લિમ સમાજમાં શોકની લાગણી જોવા મળી હતી. રેલીમાં ઉપસ્થિત લોકોએ સરકારને અપીલ કરી હતી કે આતંકવાદીઓને તાત્કાલિક પકડીને તેમને કડક સજા કરવામાં આવે. તેમણે આતંકવાદને જડબાતોડ જવાબ આપવા માટે સરકારને આગ્રહ કર્યો હતો. સુરતના મુસ્લિમ સમાજે આ રેલી દ્વારા દેશમાં શાંતિ અને ભાઈચારાનો સંદેશો આપ્યો હતો અને આતંકવાદ સામેની લડાઈમાં સહભાગી થવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.