આજથી ઉત્તરાખંડ ચારધામ યાત્રાનો પ્રારંભ, સુરક્ષા વ્યવસ્થા સઘન
આજથી, એટલે કે ત્રીસમી એપ્રિલથી, ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને આ વર્ષે યાત્રાની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના સંભવિત ધસારાને પહોંચી વળવા માટે છ હજારથી વધુ પોલીસકર્મીઓ અને અર્ધસૈનિક દળો તૈનાત કરાયા છે. ચારેય ધામોમાં એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ પણ તહેનાત રહેશે અને સમગ્ર યાત્રા માર્ગ પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે. કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ પણ સજ્જ છે. આ વર્ષે અંદાજે ૬૦ લાખ શ્રદ્ધાળુઓ આ યાત્રામાં ભાગ લે તેવી શક્યતા છે. ઓફલાઇન રજિસ્ટ્રેશન બે દિવસ પહેલાં જ શરૂ કરી દેવામાં આવ્યું હતું.