ગાંધીનગર

યોજના વિતરણ ‘દિશા કેમ્પ’ અંતર્ગત નારદીપુર ખાતે કલેકટર મેહુલ દવે રહ્યા હાજર

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના તમામ ગામોમાં સરકારી યોજનાનો લાભ લેવામાં બાકી રહેલા જરુરત મંદ લોકોનો સર્વે કરી ગામોમાં એક સ્થળે વિવિધ યોજનાઓની લ્હાણી સમો કેમ્પ કરી, તમામ જરુરતમંદોને લાભ આપવા માટેનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૦૧ મેં,૨૦૨૫ ના રોજ કલોલના નારદીપુર ખાતે યોજાયેલા યોજના વિતરણ ‘દિશા કેમ્પ’ અંતર્ગત વિવિધ યોજનાના લાભ સાથે પીએમ સૂર્ય ઘર યોજના અંગે સવિશેષ માહિતી આપતાં કલેકટરશ્રી ગાંધીનગરે સર્વે ગ્રામજનોને આ યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના (PMSGMBY) વિશ્વની સૌથી મોટી ઘરેલું છત સૌર પેનલ યોજના છે, 13 ફેબ્રુઆરી 2024ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી આ પરિવર્તનશીલ યોજના ભારતના ઉર્જા પરિદૃશ્યને ઝડપથી પુનઃ આકાર આપી રહી છે. કરોડ રૂપિયાની સબસિડીનું વિતરણ કરવામાં આવતા સૌર ઉર્જા પહેલા કરતાં વધુ સુલભ બની છે. લાભાર્થીઓ માટે શૂન્ય વીજળી બિલ સાથે, આ યોજના ફક્ત ઘરોને વીજળી જ નહીં પરંતુ લોકોને સશક્ત પણ બનાવી રહી છે. PMSGMBY હેઠળ દરેક સૌર ઉર્જા પ્લાન્ટ 100 વૃક્ષો વાવવા બરાબર કાર્બન ઉત્સર્જન ઘટાડે છે, જે ભારતને સ્વચ્છ, હરિયાળા અને આત્મનિર્ભર ભવિષ્ય તરફ દોરી જાય છે.

આ યોજનાના મુખ્ય લાભોની વાત કરવામાં આવે તો, મફત વીજળી યોજના સહભાગી પરિવારોને કેટલાંક મહત્ત્વપૂર્ણ લાભો મળે છે.જેમાં ઘરો માટે નિઃશુલ્ક વીજળી,સરકાર માટે વીજળીના ખર્ચમાં ઘટાડો, પુનઃપ્રાપ્ય ઊર્જાનો વધતો ઉપયોગ , કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો વગેરે છે. નારદીપુર ખાતે યોજાયેલા દિશા કેમ્પમાં સવિશેષ રૂપે સૂર્ય ઘર યોજના પર ભાર મુકવા સાથે અનેક વિધ સરકારી યોજનાઓ જેવીકે મહિલાઓ માટે પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર), ‘સંકલ્પ’હબ ફોર એમ્પાવરમેન્ટ તથા સખીવન સ્ટોપ સેન્ટર વગેરે થકી ચાલતી યોજનાઓ, ખેડૂતોને લગતી યોજનાઓ જેવી કે, ખાતેદાર ખેડૂત અકસ્માત યોજના, પ્રાકૃતિક ખેતી અંતર્ગત તાલીમ , દેશી ગાય નિભાવ ખર્ચ યોજના, પી.એમ કિસાન યોજના ,કિસાન વીમા યોજના તથા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી દ્વારા સમજ અને બાળકો માટે રમકડા બેંક જેવા સ્ટોલ ઉભા કરી મહત્તમ યોજનાઓ નો લાભ એક જ સ્થળે મળી રહે તે પ્રમાણેનું આયોજન હાથ ધરાયું હતું.
આ યોજના વિતરણ ‘દિશા કેમ્પ’ અંતર્ગત નારદીપુર ખાતે કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવેએ ગ્રામજનોને જરૂરત મુજબ સરકારી યોજનાઓનો લાભ લેવા સાથે, સૂર્ય ઘર યોજના અંતર્ગત વિશે સમજૂતી આપતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના થકી મફત વીજળી મળતા,વ્યક્તિગત કુટુંબો અને સંપૂર્ણ રાષ્ટ્ર એમ બંને માટે દૂરગામી પરિણામો આવવાની અપેક્ષા છે,ઘરગથ્થું બચત અને આવકનું સર્જન પણ થશે.ઘરોને તેમના વીજળીના બિલમાં નોંધપાત્ર બચતનો લાભ મળશે. વધુમાં, તેમને તેમના રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા ઉત્પન્ન થતી વધારાની વીજળી ડિસ્કોમ્સને વેચીને વધારાની આવક મેળવવાની તક મળશે. માટે વધુમાં વધુ નગરજનો આ યોજનાનો લાભ લે તેવો પણ અનુરોધ કર્યો હતો.
કલેકટર શ્રી મેહુલ કે. દવે દ્વારા ગાંધીનગર જિલ્લાના વિવિધ તાલુકાના અંતરિયાળ વિસ્તારો સુધી આ સૂર્યઘર યોજનાની માહિતી અને લાભ પહોંચે તે માટે વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. નારદિપુર ખાતે યોજાયેલા દિશા કેમ્પ અંતર્ગત પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ કેમ્પનો લાભ લેવા ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x