શ્રી સ્વામિનારાયણ મંદિર, સેકટર-૨ ખાતે ‘રક્તસંજીવની યજ્ઞ-મેગા બ્લડ ડોનેશન શિબિર‘નું આયોજન
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નિર્ણાયક નેતૃત્વ હેઠળ ભારતીય સૈન્ય દ્વારા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામે ચાલી રહેલ ‘ઓપરેશન સિંદૂર‘ ના અનુસંધાને ભવિષ્યમાં લોહીની તાત્કાલિક જરૂરિયાતના સંજોગોને ધ્યાનમાં રાખી ‘એક રાષ્ટ્ર, એક લાગણી, એક જવાબદારી-રક્તદાન‘ સૂત્ર સાથે પાટનગરના વિવિધ સામાજિક અને ધાર્મિક સંગઠનો, સેવાભાવી યુવાનો તેમજ તબીબી સંસ્થાના સહકાર અને સંયુક્ત પ્રયાસથી ૧૧ મે, રવિવારે સવારે ૮.૦૦ થી બપોરે ૧૨.૦૦ કલાક સુધી શ્રી સ્વામિનારાયણ મંદિર, સેકટર-૨ ખાતે ‘રક્તસંજીવની યજ્ઞ-મેગા બ્લડ ડોનેશન શિબિર‘ નું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતનું સશસ્ત્ર દળ દેશની સુરક્ષા માટે સજ્જ છે. હાલમાં ચાલી રહેલા ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતીય સૈન્યે આતંકવાદ વિરોધી કાર્યવાહી વધુ તેજ બનાવી છે. આવા સમયે લોહીની ઉપલબ્ધતા મહત્ત્વની બની રહેશે, કારણ કે સીમા પર સંઘર્ષના સમયે ઘાયલ જવાનો અને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓ માટે તરત લોહી મળી રહે એ જરૂરી છે ત્યારે આવો, આપણે સૌ રક્તદાન થકી રાષ્ટ્રભક્તિનું જીવંત ઉદાહરણ પૂરું પાડી આપણા જવાનો માટે જીવનરક્ષક બનીએ.