ગુજરાત

ભારત- પાક ટેન્શન: જામનગરમાં હાઈ એલર્ટ જાહેર, બજારો બંધ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવની અસર હવે જામનગરમાં પણ જોવા મળી રહી છે. વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા જામનગરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે શહેરના બજારો આજ સવારથી બંધ જોવા મળી રહ્યા છે. લોકોને પોતાના રોજગાર-ધંધા બંધ કરીને ઘરે રહેવા અને જરૂર વગર ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.

કચ્છ જિલ્લામાં ચાર દિવસથી હાઈ એલર્ટ બાદ હવે જામનગરમાં પણ આ પગલું લેવામાં આવ્યું છે. સરહદ પર ડ્રોન અને મિસાઈલ હુમલાની ઘટનાઓને પગલે જામનગર પર પણ ખતરો તોળાઈ રહ્યો છે. જામનગરમાં સેનાની ત્રણેય પાંખના મહત્વપૂર્ણ બેઝ આવેલા છે. આ ઉપરાંત, અહીં એક બંદર અને બહાર રિલાયન્સ રિફાઈનરીનો વિશાળ પ્રોજેક્ટ પણ કાર્યરત હોવાથી તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

જામનગરમાં સાયરન વાગવાના અહેવાલ પણ પ્રાપ્ત થયા છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા હોસ્પિટલોને પણ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

વહીવટી તંત્ર દ્વારા લોકોને શાંતિ જાળવવા અને કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x