ગાંધીનગરમાં ખનિજ માફિયાઓ પર તવાઈ, ₹1.80 કરોડના 3 હિટાચી જપ્ત
ગાંધીનગર કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ ખાણ ખનિજ વિભાગની ટીમે કલોલના હાજીપુર ગામે એક ખાનગી જગ્યાએ દરોડો પાડ્યો હતો. મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચનાથી થયેલી તપાસ દરમિયાન, ત્યાં ત્રણ હિટાચી એક્સેવેટર મશીનો ગેરકાયદેસર રીતે સાદી માટીનું ખનન કરતા મળી આવ્યા હતા.
રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરુણ શર્માએ આ કાર્યવાહી કરી હતી. સ્થળ પર તાજું ખોદકામ થયેલું જોવા મળ્યું હતું. આથી, ત્રણેય મશીનો, જેની કિંમત અંદાજે ₹1.80 કરોડ છે, તેને તાત્કાલિક સાંતેજ પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરવામાં આવ્યા છે. મશીનના માલિક પરેશભાઈ દેસાઈ વિરુદ્ધ ખનિજ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અને ગેરકાયદેસર ખોદકામ કરેલ માટીના જથ્થાનો દંડ વસૂલવામાં આવશે.