ગુજરાત સમાચાર: હે નાગરિકો, ધર્મોક્રસીમાં વિશ્વગુરુ બનવા તમે ગુલામ બનો!
ગુજરાતના જૂના અને જાણીતા ગુજરાત સમાચાર મિડિયા જૂથ પર નરેન્દ્ર મોદીની સરકારે બે દિવસ સુધી IT અને EDના દરોડા પાડ્યા અને ગઈ મોડી રાતે અખબારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી. આ ઘટનાને આ મિડિયા જૂથના માત્ર આર્થિક ગોટાળા પકડવાની કાર્યવાહીના ભાગરૂપે જોવાનો પ્રયાસ કોઈ કરે તો એ માણસ કાં તો અંધ મોદીભક્ત હોય અથવા તો એ સાવ ભોળો હોય.
મોદી સરકારે છેલ્લાં ૧૧ વર્ષમાં દેશમાં જે રીતે પત્રકારોની ધરપકડ કરી, મિડિયા હાઉસ પર દરોડા પાડ્યા અને ટીવી ચેનલો કે અખબારોનું મોં યેનકેનપ્રકારેણ બંધ કરવાનો પ્રયાસ કર્યો છે તે જોતાં આ કૃત્ય નરેન્દ્ર મોદી સરકારનું આર્થિક ગેરરીતિ પકડવા જેવું નિર્દોષ કૃત્ય છે એમ તો કોઈ મૂર્ખ માણસ જ સમજી શકે.
વર્લ્ડ ફ્રીડમ ઓફ પ્રેસ ઇન્ડેક્સમાં ભારત ૨૦૧૪માં ૧૪૦મા ક્રમે હતું અને ૨૦૨૫માં ફક્ત ૩૨.૯૬ના આંક સાથે ૧૫૧મા ક્રમે આવી ગયું એ શું બતાવે છે?
ગુજરાતમાં સ્વતંત્ર પત્રકારત્વની છેલ્લાં ૨૫ વર્ષમાં કેવી રીતે કતલ કરવામાં આવી છે એ જુદાં જુદાં મિડિયા હાઉસ અને પત્રકારો બહુ જ સારી રીતે જાણે છે. એનો ઈતિહાસ લખાય તો ખબર પડે કે સત્તાવાર રીતે કટોકટી જાહેર થયા વિના જ કેવી કટોકટી ચાલી રહી છે અને ગરવી ગુજરાતને મોદીએ કેવી વરવી બનાવી દીધી છે!
નરેન્દ્ર મોદી લોકશાહી દેશના ચૂંટાયેલા નેતાની જેમ નહિ, પણ એક રાજાની જેમ વર્તી રહ્યા છે. મિડિયા પર જ્યારે સરકારી સત્તાનો પંજો પડે છે ત્યારે મિડિયાની નહિ પણ લોકોની સ્વતંત્રતા પર હુમલો થાય છે.
લોકશાહીમાં લોકોને માહિતી મેળવવાનો અધિકાર હોય છે, કે જે રાજાશાહીમાં હોતો નથી. રામાયણ કે મહાભારતમાં ક્યાંય માહિતીના અધિકારની વાત આવતી જ નથી. ક્યાંથી આવે? લોકશાહીમાં શાસન કોણ કેવી રીતે કરે છે એ જાણવાનો નાગરિકોને અધિકાર હોય છે. એ અધિકાર મિડિયાની સ્વતંત્રતા દ્વારા પણ ભોગવવામાં આવે છે. મિડિયા પરની તરાપ એ હકીકતમાં નાગરિકોની આઝાદી પરની તરાપ છે.
ગુજરાત સમાચાર જૂથનું એક્સ હેન્ડલ બંધ કરવું કે સામાન્ય રીતે બધાં અખબારો કે ટીવી ચેનલોને મળતી સરકારી જાહેરખબરો બંધ કરવી એ બધું છેલ્લા ત્રણેક માસમાં થઈ ચૂક્યું છે. મિડિયા જૂથને ડરાવવાનો આ પ્રયાસ સફળ થયેલો નહિ લાગ્યો હોય મોદી સરકારને એટલે, હવે દરોડા અને ધરપકડનો દોર શરૂ કર્યો છે. આ નરી જોહુકમી, દાદાગીરી અને નગ્ન રાજાશાહી કે તાનાશાહી છે.
અમેરિકાના ત્રીજા પ્રમુખ થોમસ જેફરસન(૧૭૪૩-૧૮૨૬) દ્વારા એમ કહેવાયું છે કે, “માહિતી એ લોકશાહીનું ચલણ છે…..આપણી સ્વતંત્રતા પ્રેસની સ્વતંત્રતા પર આધાર રાખે છે.”
નરેન્દ્ર મોદીને નાગરિકોની કોઈ પણ સ્વતંત્રતા દીઠીય ગમતી નથી. એ એમનો રાજકીય સ્વભાવ છે એમાં કોઈ શંકા જ નથી. ગુજરાત સમાચાર જૂથ પરની આ કાર્યવાહી એમના આ સ્વભાવનો ફરી એક વાર પરિચય આપે છે. એકને ડરાવી દો, એટલે બાકીના ચૂપ થઈ જાય અને પૂંછડી પટપટાવતા થઈ જાય એમ કરવાની મોદીની શાસનશૈલી રહી છે.
આ બધું દેશના વિકાસને નામે અને દેશને વિશ્વગુરુ બનાવવાને નામે કરવામાં આવી રહ્યું છે. વિશ્વગુરુ બનવા માટે એક નેતાના ગુલામ બનવું પડે એ વિકસિત ભારતનો અંજામ છે.
વળી, આ બધું કહેવાતા હિન્દુ રાષ્ટ્રની સ્થાપના માટે થઈ રહ્યું છે. આ ડેમોક્રસી નથી પણ ધર્મોક્રસી છે. ધર્મને નામે અધર્મ!
હેમંતકુમાર શાહ