ગાંધીનગર જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક કલેકટરની અધ્યક્ષતામાં યોજાઇ
ગાંધીનગર જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટરશ્રી મેહુલ કે. દવેના અધ્યક્ષસ્થાને વિવિધ સંકલન સમિતિના સભ્યોને ઉપસ્થિતીમાં યોજાઇ હતી. જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રી ઈ/ચા અર્જુનસિંહ વણઝારા દ્વારા સંકલન સમિતિના સભ્યોને આવકારી બેઠકનો પ્રારંભ કરાયો હતો. જેમાં ભાગ-૧માં પદાધિકારીઓ વતી મળેલા પ્રશ્નો અંગે ચર્ચા તથા ભાગ-૨માં સંકલન સમિતિના નિયમિત મુદ્દાઓ જેમાં પેન્શન કેશ, તાલુકા, અને જિલ્લા સ્વાગત કાર્યક્રમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વગેરે અંગે જરૂરી માર્ગદર્શન અધ્યક્ષશ્રીએ આપ્યું હતું. બેઠકમાં ભાગ-૨ અંતર્ગત કલેકટરશ્રી દ્વારા લેવાયેલ ગામ મુલાકાત દરમિયાન ગ્રામજનો દ્વારા રજુ થયેલા પ્રશ્નો અને સંબંધિત વિભાગ દ્વારા તેના ઉપર કરવામાં આવેલ કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠક અંતર્ગત કરુણા એમ્બ્યુલન્સ, જિલ્લા રોડ સેફટી વિભાગ દ્વારા રેડિયમ રિફ્લેકટર લગાવવાની કામગીરી, ચાઈલ્ડ લેબર અંતર્ગત કામગીરી, ટેકાના ભાવે ખરીદી, આયુષ્માન ભારત અંતર્ગત જિલ્લામાં કામગીરી, પ્રધાનમંત્રી આવાસ યોજના, અનુસૂચિત જાતિ કલ્યાણ સમિતિના કાર્યો તથા પ્રાકૃતિક ખેતી અને આવનાર દિવસોમાં શરૂ થનાર શાળા પ્રવેશોત્સવ તથા વૃક્ષારોપણ અંતર્ગત પણ ચર્ચા કરવામાં આવી હતી.
કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે દ્વારા વૃક્ષારોપણ પર વધુ ભાર મુકતા જણાવ્યું હતું કે, ‘જો આપણી આવતીકાલ સુધારવી હશે તો આજે વૃક્ષો વાવવા જ પડશે’. માટે દરેક કર્મચારી અધિકારી વૃક્ષારોપણમાં સહભાગી બને અને માત્ર વૃક્ષારોપણ પૂરતું જ નહીં પરંતુ તેને સંપૂર્ણ ઉછેરવાની જવાબદારી લે તેવા આગ્રહ સાથે કલેક્ટરશ્રીએ ગાંધીનગર જિલ્લામાં વધુમાં વધુ વૃક્ષારોપણ થઈ શકે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. અને વૃક્ષારોપણ માટે વન વિભાગ દ્વારા કરવામાં આવેલ તૈયારીની પણ સમીક્ષા કરી હતી. સાથે જ તેમણે સીએચસી તથા પીએચસી સેન્ટરોની બોર્ડર પર વધુમાં વધુ વૃક્ષો વાવી હરિયાળી દીવાલ તથા ગૌચરની જમીનો પર વૃક્ષો વાવવાનો વિચાર પણ રજૂ કર્યો હતો.
ઉપરાંત ઉપસ્થિત તમામ કર્મચારીઓને ઉલ્લેખી તેમણે જણાવ્યું હતું કે, આ બેઠકમાં ઉપસ્થિત તમામ અધિકારી એક ‘અર્ક’ છે. કોઈપણ દર્દની દવા બનતા પહેલા તેનો અર્થ તૈયાર થાય, બેઠકમાં ઉપસ્થિત આપણે સૌ અધિકારીઓ અને કર્મચારીઓ પણ નાગરિકોના પ્રશ્નો અને તેમને પડતી મુશ્કેલીઓ માટે સમાધાન રૂપી દવાના ‘અર્ક’ છીએ, માટે જવાબદારી પૂર્વક કામગીરી કરીએ. આ સિવાય કલેકટરશ્રીએ તાબા હેઠળની કચેરીઓ ખાતે સંબંધિત અધિકારીઓ ને આકસ્મિક મુલાકાતો દ્વારા નાગરિકોનો અભિપ્રાય લેવા તથા અભિપ્રાય ના આધારે મૂલ્યાંકન કરી સેવાઓ તથા વ્યવસ્થાઓમાં સુધારો વધારો કરવા પર પણ ભાર મૂક્યો હતો. બેઠકમાં સંકલન સમિતિના વિવિધ સભ્યો અને સંબંધિત અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.