ગાંધીનગર

કલોલમાં આધુનિક જનસેવા કેન્દ્રનો શુભારંભ: અરજદારો માટે સુવિધા અને સહયોગનો નવો અધ્યાય

કલોલ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ નવું જનસેવા કેન્દ્ર કાર્યરત થયું છે, જેનો શુભારંભ ગત તા. ૧૭ મે, ૨૦૨૫ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી પી.ઠાકોર (બકાજી) પણ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ કે. દવેના ‘જન સેવા એ જ પ્રભુ સેવા’ના ધ્યેયને મૂર્તિમંત કરતું આ કેન્દ્ર અરજદારોને શાંત, સ્વચ્છ, સુવિધા યુક્ત અને સહકાર ભર્યા વાતાવરણમાં સેવાઓ પૂરી પાડશે.

કલેકટરશ્રીનો અભિગમ

જિલ્લા કલેકટર શ્રી મેહુલ કે. દવેએ જણાવ્યું હતું કે, જનસેવા કેન્દ્રનું સ્વપ્ન એવું હતું કે જ્યાં નાગરિકો કોઈપણ અગવડ વગર, કર્મચારીઓના સોહાર્દપૂર્ણ વર્તન થકી રાહતનો શ્વાસ લઈ, પ્રભાવિત થઈને જાય. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અરજદારોના કાર્યો સમયસર પૂર્ણ થાય અને કર્મચારીઓમાં સેવા ભાવ રહે, કારણ કે ‘we are for the people’. કલેકટરશ્રીના મતે, જનસેવામાં નાના બાળકોથી માંડીને વૃદ્ધો પણ આવતા હોય છે, તેથી તેમની સુવિધા સર્વોપરી હોવી જરૂરી છે.

આધુનિક સુવિધાઓ અને પર્યાવરણ લક્ષી પહેલ

આ નવનિર્મિત જનસેવા કેન્દ્ર ₹50 લાખના ખર્ચે આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. અહીં નાગરિકોને વાતાનુકૂલિત અને આરામદાયક વાતાવરણ મળે છે. ટોકન વેન્ડિંગ સિસ્ટમ અને વિવિધ સેવાઓ માટે અલગ અલગ ડેડીકેટેડ વિન્ડો સિસ્ટમથી પ્રક્રિયા સરળ અને ઝડપી બની છે.

સૌથી મહત્વની વાત એ છે કે, આ સંપૂર્ણ જનસેવા કેન્દ્ર 100% સૌર ઊર્જા સંચાલિત છે. સોલર રૂફ ટોપ સિસ્ટમથી વીજળીનું બિલ શૂન્ય થઈ ગયું છે, જે સરકાર પરનું ભારણ ઘટાડે છે અને પર્યાવરણ જાળવણીનો સંદેશ પણ પૂરો પાડે છે. આ ઉપરાંત, શીતલ શુદ્ધ પીવાનું પાણી અને પૂરતી બેઠક વ્યવસ્થા જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

જનસેવા કેન્દ્રનો ઉદ્ભવ અને હેતુ

નાગરિકોને સરકારી સેવાઓ માટે યોગ્ય માહિતીના અભાવે ઘણીવાર મુશ્કેલીઓ પડતી હોય છે. કઈ કચેરીનો સંપર્ક કરવો, કયા દસ્તાવેજો રજૂ કરવા તેની જાણકારીના અભાવે સમય અને પૈસાનો વ્યય થતો હતો. વહીવટી કર્મચારીઓને પણ અધૂરી અરજીઓ મળવાને કારણે વાસ્તવિક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ફોલો-અપ્સમાં શક્તિ વેડફવી પડતી હતી. આ સમસ્યાઓના નિરાકરણ માટે ‘જનસેવા કેન્દ્ર’ના વિચારનો જન્મ થયો હતો.

ગુજરાત સરકાર દ્વારા સામાન્ય માણસને 100થી વધુ સરકારી સેવાઓ એક જ જગ્યાએથી ‘વન ડે ગવર્નન્સ’ અંતર્ગત સમયમર્યાદામાં મળી રહે તે હેતુથી તાલુકા કક્ષાએ જનસેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. કલોલનું આ નવું મોડેલ જનસેવા કેન્દ્ર નાગરિકોને પારદર્શિતા અને વિશ્વસનીયતા સાથે જરૂરી સેવાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે. નાગરિકો પણ નવીન સુવિધાઓ અને વ્યવસ્થા બદલ સંતોષ સાથે હકારાત્મક પ્રતિભાવો આપી રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x