ગાંધીનગર

માણસમાં ભૂમાફિયાઓ પર ભૂસ્તર તંત્રનો સકંજો: ₹1.70 કરોડનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ કે. દવેની રાહબરી હેઠળ ભૂસ્તર તંત્રએ ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓ પર તવાઈ બોલાવી છે. માણસા તાલુકાના છેલ્લોવાસ-અનોડિયા ગામે સાબરમતી નદીના પટ્ટમાંથી ₹1.70 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના હેઠળ ગાંધીનગર જિલ્લાની ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ક્ષેત્રિય ટીમે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. ગત તારીખ 17 મે, 2025ના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ માણસા તાલુકાના છેલ્લોવાસ-અનોડિયા ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીના પટ્ટ વિસ્તારમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી.

રેડ દરમિયાન, સાબરમતી નદીના પટ્ટમાં પાણીના વહેણમાં એક ચીલો બનાવેલો જોવા મળ્યો હતો. આ ચીલા ઉપર એક ડમ્પર (ચેસીસ નં. MB1HTDH6JPWG4471) સાદી રેતી ખનીજ ભરેલી હાલતમાં ફસાયેલું જોવા મળ્યું હતું. ચીલાની બાજુમાં નદી કિનારાના ભાગે સાદી રેતી ખનીજનું તાજું ખોદકામ અને એસ્કેવેટર મશીનના ચીલા પણ જોવા મળ્યા હતા.

તપાસ ટીમે ચીલાથી અંદાજે 500 મીટર દૂર બે JCB કંપનીના પીળા રંગના એસ્કેવેટર મશીન (સીરીયલ નં. PUNJD20AVK2853144 અને એન્જિન નં. 91F84908559) પણ શોધી કાઢ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ મશીન અને ડમ્પર દ્વારા સાદી રેતી અને સાદી માટી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ અને વહન કરવામાં આવતું હોવાનું માલુમ પડ્યું હતું.

તમામ મશીનરીને બિનઅધિકૃત ખનન અને વહન કરવા બદલ સીઝ કરી પીંપળજ ચેકપોસ્ટ, પીંપળજ, ગાંધીનગર ખાતે રાખવામાં આવી છે. આ તપાસ કામગીરી તારીખ 17 મે, 2025ના સવારે 11 વાગ્યાથી તારીખ 19 મે, 2025ના સવારે 4 વાગ્યા સુધી એમ સતત ત્રણ દિવસ સુધી ચાલી હતી.

આ કાર્યવાહીમાં સાદી રેતી ખનીજના બિનઅધિકૃત ખોદકામ અને સાદી માટી ખનીજના બનીઅધિકૃત વહન બદલ કુલ અંદાજે ₹1.70 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાદી રેતી ખનીજના બિનઅધિકૃત ખનન કરાયેલા વિસ્તારની માપણીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. જપ્ત કરાયેલા ડમ્પરના માલિક અને મશીનના માલિક વિરુદ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) નિયમો-2017 હેઠળ દંડકીય કાર્યવાહી કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x