સુરતમાં 12 વર્ષના કિશોરની દીક્ષા પર કોર્ટે રોક લગાવી
સુરત: સુરતમાં એક 12 વર્ષીય કિશોરની દીક્ષાનો મામલો કોર્ટમાં પહોંચ્યો છે, જેના પગલે કોર્ટે દીક્ષા પર રોક લગાવી દીધી છે. કિશોરના પિતા, જેઓ ઇન્દોરમાં રહે છે, તેમણે પોતાના વકીલ મારફત પુત્રની દીક્ષા રોકવા માટે સુરત કોર્ટમાં અરજી કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, કિશોરના માતા-પિતાએ વર્ષ 2008માં લગ્ન કર્યા હતા પરંતુ હાલ તેઓ અલગ રહે છે. પુત્ર તેની માતા સાથે રહે છે, જ્યારે પિતા ઇન્દોરમાં વસવાટ કરે છે.આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે 12 વર્ષીય કિશોરની દીક્ષાના ડિજિટલ આમંત્રણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા. આ કેસની સુનાવણી સુરત કોર્ટમાં ચાલી રહી છે, જેમાં મંગળવારે કિશોરના માતા-પિતા બંને હાજર રહ્યા હતા. કોર્ટના આ નિર્ણયથી આ કિશોરની દીક્ષાનો કાર્યક્રમ હાલ પૂરતો અટકી ગયો છે.