ધરોઈ ડેમ ખાતે ગુજરાતનો પ્રથમ એડવેન્ચર મહોત્સવ, 23 મેથી થશે પ્રારંભ
ગુજરાત સરકારે મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમ ખાતે એક અનોખા ‘ધરોઈ એડવેન્ચર મહોત્સવ’નું આયોજન કર્યું છે. આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 23 મેના રોજ કરવામાં આવશે. આ કાર્યક્રમ 30 દિવસ સુધી ચાલશે અને હવામાન અનુકૂળ રહેશે તો તેને 45 દિવસ સુધી લંબાવી શકાય છે. આ ફેસ્ટનું સંયુક્ત આયોજન ગુજરાત પ્રવાસન વિભાગ અને એડવેન્ચર ટુર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા થઈ રહ્યું છે. તેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત જમીન, પાણી અને આકાશમાં રોમાંચક 10થી વધુ પ્રવૃત્તિઓનો સમાવેશ થશે. આધુનિક તંબુઓમાં રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ હશે. પ્રવાસન મંત્રી મુળુ બેરાના જણાવ્યા અનુસાર, પાવર બોટ, પેરાસેલિંગ, પેરામોટરિંગ, રોક ક્લાઇમ્બિંગ, હાઇકિંગ, માઉન્ટેન બાઇકિંગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થશે. પ્રવાસીઓ સ્ટાર ગેઝિંગ, એસ્ટ્રોનોમી કેમ્પ અને નેચર વોકનો પણ આનંદ માણી શકશે.