ગાંધીનગરમાં જળાશયોમાં પ્રવેશ પર પ્રતિબંધ: જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું
ગાંધીનગર જિલ્લા મેજીસ્ટ્રેટ મેહુલ કે. દવે દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના જળાશયો (નદીઓ, તળાવો, નહેરો, દરિયા) માં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જળાશયોમાં ડૂબી જવાથી થતા મૃત્યુની ગંભીર ઘટનાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
ભયજનક સ્થળોની યાદી:
ગાંધીનગર જિલ્લામાં નીચેના સ્થળોને ભયજનક જાહેર કરવામાં આવ્યા છે અને ત્યાં પ્રવેશ પ્રતિબંધિત છે:
* નર્મદા કેનાલ (અડાલજ, સાંતેજ, કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં)
* રાયપુરથી કરાઈ સુધી નર્મદા મુખ્ય કેનાલ (ડભોડા પોલીસ સ્ટેશન)
* સંત સરોવર (ડભોડા, ઇન્ફોસીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં)
* સાબરમતી મુખ્ય નદી કાંઠા વિસ્તાર (પેથાપુર, સેકટર-૨૧, ઇન્ફોસીટી, માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં)
* ધોળકા સબ કેનાલ (સાંતેજ પોલીસ સ્ટેશન)
* સાબરમતી નદી (સાદરા, પાલજ, લેકાવાડા ગામમાંથી પસાર થતી) અને ખારી નદી (મગોડી ઓવરબ્રીજ ખાતેથી પસાર થતી) તેમજ દશેલા અને ઈસનપુર ખાતે તળાવ (ચિલોડા પોલીસ સ્ટેશન)
* મેશ્વોના કિનારે આવેલા ગામડાઓ (વડોદ, દોડ, સાહેબજીના મુવાડા, કલ્યાણજીના મુવાડા, કડજોદરા, મીઠાના મુવાડા, વેલપુરા, સુજાના મુવાડા) અને સાંપા, રખિયાલ, જાલીયાના મઠ ગામ ખાતે આવેલા તળાવ (રખિયાલ પોલીસ સ્ટેશન)
* બહીયલ મુખ્ય નર્મદા કેનાલ તેમજ ખારી નદી અને મેશ્વો નદી કાંઠાનો વિસ્તાર (દહેગામ પોલીસ સ્ટેશન)
આ જાહેરનામું જનસુરક્ષા સુનિશ્ચિત કરવા અને જળાશયોમાં થતી દુર્ઘટનાઓને રોકવા માટે બહાર પાડવામાં આવ્યું છે.